- લોકોએ નબળા વિપક્ષથી ચલાવી લેવું પડશે!!
- હાલના ટ્રેન્ડ પ્રમાણે કોંગ્રેસ ૧૬ બેઠકો ઉપર આગળ છે, જો 18 સીટ નહિ મળે તો કોંગ્રેસ વિપક્ષનો હોદ્દો ગુમાવી બેસશે
ગુજરાત વિધાનસભામાં હવે કોંગ્રેસનું વિપક્ષનું પદ છીનવાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. હાલના ટ્રેન્ડ પ્રમાણે કોંગ્રેસ ૧૬ બેઠકો ઉપર આગળ છે, જો 18 સીટ નહિ મળે તો કોંગ્રેસ વિપક્ષનો હોદ્દો ગુમાવી બેસશે
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી ગઠબંધન છેલ્લી બે લોકસભાની ચૂંટણી પ્રચંડ બહુમતની સાથે જીત હાંસલ કરીને સત્તામાં વાપસી કરી હતી. જેના કારણે વિપક્ષની સામે અસ્તિત્વનં સંકટ ઉભું થયું છે. લોકસભામાં કોંગ્રેસ પાસે એટલી સંખ્યા પણ નથી કે તે વિપક્ષના નેતાનું પદ રાખી શકે. કોંગ્રેસ સૌથી જૂની રાજકીય પાર્ટી હોવા છતાં તેને લોકસભામાંથી વિપક્ષનું પદ પણ ગુમાવ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં પણ લોકસભાવાળી થવાના એંધાણ મળી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીના પરિણામ અત્યારે જાહેર થઈ રહ્યા છે. જેમાં હાલ ભાજપ અતિ જોરમાં આગળ વધી રહ્યું છે. ભાજપ હાલ 149 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે. સામે કોંગ્રેસ ૧૬ બેઠકો ઉપર આગળ દેખાઈ રહ્યું છે.
કોંગ્રેસે વિધાનસભામાં વિપક્ષ પદ જાળવી રાખવા માટે 182 સીટની 10 ટકા સીટ એટલે કે 18 બેઠક કબ્જે કરવી જરૂરી છે. હાલના જે ટ્રેન્ડ છે તે પ્રમાણે કોંગ્રેસના વિપક્ષ પદ ઉપર પણ જોખમ જણાઈ રહ્યું છે. જો કોંગ્રેસ 18થી ઓછી સીટ મેળવે છે તો તે વિપક્ષ પદ પરથી પણ આઉટ થઈ શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ હાલ જે ગતિએ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસના અસ્તિત્વ ઉપર છેલ્લા ઘણા સમયથી જોખમ ઉભું થઈ ગયું છે. ત્યારે વિધાનસભાનું વિપક્ષ પદ પણ હાલ છીનવાઈ તેવી સ્થિતિ ઉભી થઇ છે. બીજી તરફ રાજ્યસભાની 11 બેઠક પૈકી હાલ ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 બેઠક છે. હવે વિધાનસભા પછી રાજ્યસભામાં પણ કોંગ્રેસના અસ્તિત્વ ઉપર જોખમ ઉભું થાય તેવુ જણાઈ રહ્યું છે.