ભાજપના ઉમેદવારોને ધ્યાનમાં રાખી જ્ઞાતિ-જાતિના સમીકરણોના આધારે ઉમેદવારો ફાઇનલ થશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ગત સપ્તાહે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. દરમિયાન આજે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી હોય કોંગ્રેસ દ્વારા આજે ગમે તે ઘડીએ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી દેવામાં આવશે. પ્રથમ તબક્કાના મતદાનમાં જે 89 બેઠકો માટે ચૂંટણી થવાની છે. તે પૈકી જે બેઠકો માટે ઉમેદવારો હજુ જાહેર કરવામાં આવ્યા નથી. તે બેઠકો માટે બીજી યાદીમાં નામો જાહેર થવાની પ્રબળ સંભાવના જણાઇ રહી છે.
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં અલગ-અલગ 43 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા હતા ત્યારે એવી પણ જાહેરાત કરાઇ કે હવે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ કરવામાં આવશે. આજે સવારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી હોય આજે સાંજ સુધીમાં ગમે ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી દેવામાં આવશે. આવતીકાલે ભાજપ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારો પણ નામાંકન પત્ર દાખલ કરે તેવી સંભાવના જણાઇ રહી છે. છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પંજાનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો હોય આ બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર નક્કી કરવા નવેસરથી કસરત કરવી પડી છે. જેના કારણે અમૂક બેઠકો માટે ઉમેદવારોના નામ આવતીકાલે સવારે પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતા હાલ નકારી શકાતી નથી.