પ્રથમ યાદીમાં રાજસ્થાન માટે ઉમેદવારો જાહેર કરાશે: ૧ થી ૧૦ માર્ચ સુધીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ૨૦૦ રેલી યોજાશે

લોકસભાની ચુંટણીને આડે હવે ત્રણ માસથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચુંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં માત્ર ૪૪ બેઠકો જીતી શકેલી કોંગ્રેસ ૨૦૧૯માં પુરી તાકાત સાથે ઉભરી આવવાના મુડમાં છે. લોકસભાની ચુંટણીના ભાગરૂપે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આગામી ૧ થી ૧૦ માર્ચ દરમિયાન દેશમાં અલગ-અલગ ૧૦૦ સ્થળોએ જાહેરસભા યોજવામાં આવશે. આટલું જ નહીં કોંગ્રેસ લોકસભાની ચુંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી માર્ચ માસના પ્રથમ સપ્તાહે જાહેર કરી દેશે. પ્રથમ યાદીમાં રાજસ્થાન માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

૧૬મી લોકસભાનું ગઈકાલે સમાપન સત્ર યોજાયું હતું. માર્ચ માસના પ્રથમ અન્યથા બીજા સપ્તાહમાં જ ચુંટણીની તારીખ જાહેર થઈ જાય તેવી સંભાવના જણાય રહી છે. ભાજપે ‘મેરા પરિવાર ભાજપ પરિવાર’ રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરી દીધું છે ત્યારે કોંગ્રેસ પણ આ વખતે ભાજપને હંફાવવા પુરી તાકાતથી મેદાનમાં ઉતરશે. આગામી ૧ થી ૧૦ માર્ચ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા અલગ-અલગ ૧૦૦ જેટલી રેલી યોજવામાં આવશે. આ ઉપરાંત માર્ચના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દેવામાં આવશે. જોકે પ્રથમ યાદીમાં માત્ર રાજસ્થાનની ૨૫ બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪ લોકસભાની ચુંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી. ગુજરાતની ૨૬ બેઠકો માટે માર્ચ માસના અંતમાં કે એપ્રિલના આરંભે કોંગ્રેસ ઉમેદવારોના નામો જાહેર કરે તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.