પ્રથમ યાદીમાં સિટીંગ ૪૩ ધારાસભ્યો અને એક જ નામ હોય તેવી બેઠક માટે ઉમેદવારો જાહેર કરાશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની ૮૦ સભ્યોની પહેલી યાદીની જાહેરાત ત્રીજી ઓક્ટોબર સુધીમાં કરાશે એમ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે. પ્રદેશ ચૂંટણી સમિતિની સોમવારે યોજાયેલી બેઠકમાં ઉમેદવારોની પસંદગીના ધોરણો અંગે ભારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી સાથોસાથ એકથી વધુ દાવેદાર હોય તેવી બેઠકો પર સ્થાનિક આગેવાનો અને જરૂર જણાય ત્યાં પ્રદેશના નેતાઓની મધ્યસ્થી થકી એક જ ઉમેદવાર નક્કી કરવા માટે સર્વસંમતિ સાધવાના પ્રયાસો કરવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય નેતાગીરી દ્વારા નિયુક્ત સ્ક્રિનીંગ કમિટીની બેઠક મંગળવારે યોજાશે.
પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, બેઠકમાં ઉમેદવારો અંગે સર્વસંમતિ સાધવા ઉપરાંત ચૂંટણીમાં ક્યા પ્રશ્નો-સમસ્યાઓને ચૂંટણી મુદ્દા બનાવવા તે અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં સતત બે વાર ચૂંટણી હારેલાં, ૭૦થી વધુ વર્ષની વયના દાવેદારોને ઉમેદવાર ન બનાવવા, ૨૦ હજાર અથવા તેથી વધુ મતથી હારેલાં દાવેદારોને ટિકિટ ન આપવા સહિતના ધોરણોનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અલબત્ત, કેટલાક કિસ્સાઓમાં આ ધોરણોમાં છૂટછાટ આપવામાં આવે તેવી પણ શક્યતા નકારી શકાય નહીં એમ જણાવતાં સૂત્રો ઉમેરે છે કે, પ્રથમ યાદીમાં ૪૩ સિટીંગ ધારાસભ્યો અને એક જ ઉમેદવાર હોય તેવી બેઠકોની જાહેરાત કરાશે.
નોંધનીય છે કે, કોંગ્રેસે અગાઉ એક વર્ષ અગાઉ ઉમેદવારો જાહેર કરવાની જાહેરાત કરી હતી પરંતુ મોટાભાગની બેઠકો પર એકથી વધુ દાવેદાર હોવાને કારણે કોંગ્રેસ આ નિર્ણયનો અમલ કરી શકી નહોતી. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી લડવા માગતા ઉમેદવારો માટે બૂથ સમિતિ સહિતના કેટલાક નિયમો-શરતો જાહેર કર્યા હતા. પરિણામે પ્રદેશ સમિતિને બે મહિના અગાઉ ચૂંટણી લડવા માટે ૧૫૦૦થી વધુ દાવેદારોએ અરજીઓ આપી છે. પ્રદેશના નેતાઓ માટે આટલી સંખ્યામાંથી ૧૮૨ ઉમેદવારોની પસંદગી કરવાનો એક મોટો પડકાર છે. પરિણામે કોંગ્રેસે આ વખતે પસંદગીની પ્રક્રિયા વહેલી હાથ ધરવી પડી છે.