રામ મંદિરની સુનાવણી ૨૦૧૯ સુધી ટાળવા કોંગ્રેસ શા માટે પ્રયત્નો કરે છે: મોદીના આકરા પ્રહારો
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને રામ મંદિર અને બાબરી મસ્જિદમાંથી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ સવાલ કર્યો છે કે, કોંગ્રેસ રામ જન્મભૂમિ કેસની સુનાવણીને શા માટે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સાથે જોડી રહી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપીલ સિબ્બલે તાજેતરમાં વડી અદાલતમાં સુનાવણીને ૨૦૧૯ લોકસભા ચૂંટણી સુધી ટાળવા માટે દરખાસ્ત કરી હતી. ત્યારબાદ આ વિવાદ ભડકયો હતો. કોંગ્રેસના નેતાઓ પર માછલા ધોવાયા હતા. વડાપ્રધાન મોદીએ આ મામલે કોંગ્રેસ પર પ્રહાર કરતા ગઈકાલે સાબરકાંઠાના ભાભરમાં રેલી દરમિયાન કહ્યું હતું કે, કોંગ્રેસ રામ મંદિર સુનાવણીને લોકસભા ચૂંટણી સાથે શા માટે જોડી રહી છે તેનો જવાબ આપી રહી નથી. સિબ્બલ સુન્ની વકફ બોર્ડના વકીલ ન હોવાનું કહે છે તો પછી રામ મંદિર કે મસ્જિદ બાબતે સિબ્બલ કયાં પક્ષે વકીલાત કરી રહ્યાં છે તે સ્પષ્ટ કરવું જોઈએ. જો આ મામલે તેઓ ખુલાસો ન કરી શકે તો તેમના નવા નેતા (રાહુલ ગાંધી)ને બોલવું જોઈએ.
મોદીએ રેલી દરમિયાન કોંગ્રેસ પર વધુ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, મણીશંકર ઐયરે પાકિસ્તાનીઓ સાથે મળીને મને રસ્તા પરથી હટાવવા ષડયંત્ર રચ્યું હતું. તેમણે મણીશંકર ઐયરના નીચ હોવાના અંગેના નિવેદન મામલે કહ્યું હતું કે, શું ગરીબ કુટુંબમાં હું જન્મ્યો છું એટલે તેનાથી હું નીચ બની જાઉં છું. પછાત જ્ઞાતિમાં જન્મ લેવાથી નીચ બની જવાય છે. શું ગુજરાતી હોવાથી નીચ થઈ જવાય છે.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, મને વાંદરો કહીને મજાક ઉડાવાઈ, માનસીક અસ્થિર વ્યક્તિ કહેવાયો, રાવણ-યમરાજ અને ભસ્માસુર સાથે પણ મારી સરખામણી કરવામાં આવી, મને નપુંશક પણ કહેવાયો શું આવી ભાષાનો ગણતંત્રમાં ઉપયોગ કરી શકાય. વડાપ્રધાન મોદીએ લોકોને ચૂંટણી દરમિયાન કોંગ્રેસને પાઠ ભણાવવા કહ્યું હતું.