રાજ્યપાલના સંબોધનની નકલ પણ મળી નથી, અધ્યક્ષની વરણી અંગે અમે અજાણ : કોંગ્રેસ
વિધાનસભાના એક દિવસના સત્રમાં પણ વિપક્ષની નારાજગી સામે આવી હતી. રાજ્યપાલના સંબોધનની નકલ ન મળતા અને અધ્યક્ષની વરણી અંગે અજાણ હોવાનું જણાવી કોંગ્રેસે વિધાનસભાથી વોકઆઉટ કર્યું હતું.
વિધાનસભાનું એક દિવસીય સત્ર આજે મળ્યું હતું. જેમાં ગૃહમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી છે. ત્યારે વિપક્ષે પહેલા જ દિવસે ગૃહમાં હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં. તેમણે ગૃહમાં કહ્યું હતું કે, અધ્યક્ષની વરણી પ્રક્રિયાથી વિપક્ષ અજાણ છે. વિપક્ષને આ અંગે પૂછવામાં નહીં આવતાં સંસદિય પરંપરા તૂટી છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયએ એવો આક્ષેપ કર્યો હતો કે, રાજ્યપાલના સંબોધનની નકલ આપવામાં આવી નથી. આ દરમિયાન હોબાળો થતાં જ વિપક્ષના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
વિપક્ષના સભ્યોએ ચર્ચા કરવા ત્રણ દિવસની માંગ કરી હતી. ત્યારે અધ્યક્ષે આજના દિવસે ચર્ચા કરવાનું સૂચન કર્યું હતું. અધ્યક્ષના નિવેદન બાદ કોંગ્રેસના સભ્યો નારાજ થયા હતાં અને સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસના 17 ધારાસભ્યો ગૃહ છોડીને બહાર નીકળી ગયા હતાં. વિપક્ષના સભ્યોએ અધ્યક્ષના નિર્ણય પર નારાજગી દર્શાવી હતી. વિપક્ષે પહેલા જ દિવસે ગૃહમાં હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં. તેમણે ગૃહમાં કહ્યું હતું કે, અધ્યક્ષની વરણી પ્રક્રિયાથી વિપક્ષ અજાણ છે. વિપક્ષને આ અંગે પૂછવામાં નહીં આવતાં સંસદિય પરંપરા તૂટી છે.
શૈલેષ પરમારે કહ્યું હતું કે, કોંગ્રેસનું મનોબળ તૂટ્યુ નથી અમારી પાસે 17 ધારાસભ્યો છે અમે મુદ્દાઓને લઈને લડતાં રહીશું. બીજી તરફ ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ શૈલેષ પરમાર પર પલટવાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ હજી વિપક્ષના નેતા નક્કી નથી કરી શકી. અર્જુન મોઢવાડિયાએ પણ જીતુ વાઘાણીને જવાબ આપ્યો હતો કે ભૂતકાળમાં ભાજપના પણ માત્ર 14 સભ્યો જ હતાં. અર્જુન મોઢવાડિયાએ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને અભિનંદન પાઠવ્યા હતાં અને ગૃહનું લાઈવ પ્રસારણ કરવાની માંગ કરી હતી. અપક્ષ જીતેલા ત્રણેય ધારાસભ્યોએ ભાજપને ટેકો આપ્યો હતો અને તેઓ રાજ્યપાલને પણ મળ્યા હતાં.
વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે વરણી માટે શંકરભાઇ ચૌધરીના નામના રજૂ કરેલા પ્રસ્તાવને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે સમર્થન આપ્યું હતું. સમગ્ર વિધાનગૃહે આ પ્રસ્તાવને ટેકો આપતાં 1પમી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઇ ચૌધરીની વરણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વરાયેલા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળવા માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ નવનિયુકત અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ બનાસડેરી સહિત બહુવિધ સહકારી ક્ષેત્ર તેમજ ગરીબ, વંચિત, લોકોના આવાસ, આરોગ્ય, શિક્ષણ, આજીવીકા માટે આપેલા મહત્વપૂર્ણ પ્રદાનની પ્રસંશા કરી હતી.