ત્રણેય આગેવાનો અને તેના ટેકેદારોની ટિકિટ માટેની ખેંચાખેંચીથી કોંગ્રેસની છબી ખરડાય: બીજી તરફ કોંગ્રેસને નેતાગીરી પણ ગુમાવવી પડે તેવી દહેશત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપર સમગ્ર દેશની નજર છે. રાજકીય નિષ્ણાંતો ગુજરાતમાં ભાજપ કે કોંગ્રેસ કોને સત્તા મળશે તેનો અંદાજ લગાવી રહ્યા છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીના કારણે વિધાનસભાની ચૂંટણી વધુ રોચક બની છે. ત્રણેય સામાજીક નેતાઓ ભાજપને હરાવવાના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરી ગયા છે. જેનો મહત્તમ લાભ લેવાના પ્રયાસો કરવામાં કોંગ્રેસે વિઝન ગુમાવ્યું હોવાનું વર્તુળોમાં ચર્ચાય છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ તેમજ તેના સાથીદારો અને ઓબીસી નેતા અલ્પેશ પટેલ તથા તેમના ટેકેદારોની ટિકિટ માટે થયેલી ખેંચાખેંચીથી કોંગ્રેસની છબી ખરડી છે. બીજી તરફ જીજ્ઞેશ મેવાણીને ટેકો આપવાની જાહેરાત કરી કોંગ્રેસે કોકડુ વધુ ગુંચવ્યું છે. ત્રણેય સામાજીક આગેવાનો ઉપર વધુ પડતો મદાર રાખી કોંગસે ભાજપ સામેની ચૂંટણી માટેની મુખ્ય વિઝન ગુમાવી દીધું હોવાનું માનવામાં આવે છે. ભાજપે પણ કોંગ્રેસની આ નબળાઈ પારખી તેનો લાભ લેવાનું શ‚ કરી દીધું છે. ભાજપ દરેક જનસભા, રેલી કે સંબોધનમાં કોંગ્રેસ પાસે ચૂંટણી મુદો જ ન હોવાની વાત કહેવાનું ચુકતો નથી.
બીજી તરફ કોંગ્રેસે હાર્દિક, અલ્પેશ અને મેવાણીને વધુ પડતુ પ્રાધાન્ય આપી પક્ષના જ વફાદાર કાર્યકર્તા અને આગેવાનોની નારાજગી વહોરી લીધી છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી પણ હવે પોત-પોતાના સમાજનો વિશ્ર્વાસ ગુમાવતા જાય છે. ત્રણેયને રાષ્ટ્રીય ફલક સુધી ચમકાવનાર સમાજ હવે તેમની પડખે ઉભો ન પણ રહે તેવી શકયતા છે. વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે હાર્દિક, અલ્પેશ અને મેવાણીને આગળ કરનાર કોંગ્રેસે નેતાગીરી ગુમાવી દીધી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. હાલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે પરંતુ તેમના બાદના ક્રમમાં કોણ તે પ્રશ્ર્ન ઉઠયો છે. કોંગ્રેસની સ્થાનિક અને પ્રાદેશિક નેતાગીરીને ફટકો પહોંચ્યો છે. જે ચૂંટણીમાં એકંદરે હાનિકારક બાબત છે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સિવાય અપક્ષની તાકાતનો પણ પરચો જોવા મળશે. આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોને કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની જંગનો ભરપુર લાભ મળશે. દર વખતે બન્ને પક્ષો સિવાય ત્રીજો કોઈ પક્ષ નહીં પરંતુ અપક્ષ ઉમેદવારને સફળતા મળે છે. ભાજપના બળવાખોર નેતાઓ અપક્ષ ચૂંટણી લડવાના મૂડમાં છે. જેઓને ટિકિટ નથી મળી તેમાથી ઘણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની ઈચ્છા જાહેર કરી છે. સ્થાનિક કક્ષાએ આવા બાહુબલી નેતાઓ જીતી પણ શકે તેવી શકયતા નકારી શકાતી નથી માટે આગામી વિધાનસભા અપક્ષની ભૂમિકા અવગણી શકાતી નથી