કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં જનસંવાદ યાત્રા યોજશે. રાહુલ 25મીએ સોમવારે સવારે 10.30 કલાકે મીઠાપુર એરસ્ટ્રીપ પર ઉતરાણ કરશે એ પછી સીધા જ દ્વારકા મંદિરના દર્શને જશે.
સવારે 11થી 11.30 વાગ્યા સુધી રાહુલ દ્વારકા મંદિરના દર્શન કરશે એ પછી 12.30થી 1.00 વાગ્યા વચ્ચે નજીકમાં ભાટિયા ગામની મુલાકાત લેશે જ્યાં કાર્યકરો તેમજ સમર્થનકો સાથે મિટિંગ કરશે, જનતા સાથે સંવાદ કરશે. ત્યાર બાદ બપોરે 1.40થી 2.10 વાગ્યા દરમિયાન હાન્જડાપર ગામની મુલાકાત લેશે. આ મુલાકાત બાદ વડતરા ગામે ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે. એ પછી 3.15થી 3.45 સુધી ખંભાળિયા ગામની મુલાકાત લેશે, જ્યાં ખેડૂતો સાથે મિટિંગનું આયોજન કરાયું છે. રાહુલ ખંભાળિયાથી સીધા જામનગર પહોંચશે, જ્યાં વસઈ ગામે માછીમાર સમુદાયના લોકોને મળી તેમની વ્યથા જાણશે. ત્યાર બાદ 6.45થી 7.15 વાગ્યા દરમિયાન વેપારી સમુદાયને મળશે. રાત્રિ રોકાણ જામનગર ર્સિકટ હાઉસ ખાતે કરશે.
રાહુલ ગાંધીની 26મીની બીજા દિવસની યાત્રા ખિજડિયા બાયપાસથી શરૂ થશે. રસ્તામાં ઠેર ઠેર સ્વાગત વચ્ચે સવારે 9.30 વાગ્યે રામપર પાટિયા ખાતે લોકોને મળશે, 11.30 વાગ્યે ટંકારા ખાતે લોકો સાથે મિટિંગ, ચિલિંગ પ્લાન્ટ ખાતે સહકારી આગેવાનો સાથે વાર્તાલાપ કરશે, કુવાડવા, નવા ગામ, પરેવડી થઈ હેમુ ગઢવી હોલમાં ટ્રેડર-બિઝનેસમેનને મળશે, રાત્રિ રોકાણ રાજકોટ ર્સિકટ હાઉસ ખાતે કરશે. ત્રીજા દિવસે સવારે ચોટિલા માતાજી મંદિરના દર્શન કરશે. બપોરે જસદણ ખાતે મિટિંગ કરશે. ગોંડલ, વીરપુરમાં સ્વાગત બાદ 2.30 વાગ્યે કાગવડ જશે, 4.30 વાગ્યે જેતપુર ખાતે પબ્લિક મિટિંગ કરશે.