- ચૂંટણીનું પરિણામ જે આવે તે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકતા ઇન્દ્રનીલ રાજગુરૂ
- થાક્યા વિના સતત લોક પ્રશ્નોને વાચા આપતા રહો: હિતેશ વોરા
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઇકાલે બાલભવન રેસકોર્સ ખાતે સ્નેહમિલન યોજાયું હતું. જેમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી પૂર્વે 1 થી 18 વોર્ડના તમામ આગેવાનો-કાર્યકરો અને હોદ્દેદારો સહિતના શહેર કોંગ્રેસ પરિવારના ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિ હતી.
આ તકે પૂર્વ મંત્રી અને સિનિયર કોંગ્રેસ અગ્રણી મનસુખભાઇ જોશીએ તમામ ઉમેદવારો અને કાર્યકરોને શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા અને જૂના સ્મરણો વાગોળ્યા હતા.
પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભા 68 ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂ એ આ તકે જણાવ્યું હતુ કે કાર્યકરો અને આગેવાનોએ આ ચુંટણીમાં પુરા ઉત્સાહથી જોમ, જુસ્સો દાખવી જે કાબિલેદાદ કામગીરી કરી હતી. જેને બિરદાવી હતી અને ચૂંટણીનું જે પરીણામ આવે તે સ્વીકારી સંગઠનને વધુ મજબૂત શક્તિશાળી બનાવવા કાર્યકરોને આવાહન કર્યુ હતુ અને કોલ આપ્યો હતો તેમજ ટૂંક સમયમાં વોર્ડ વાઇઝ કાર્યાલય ખોલવા લોકપ્રશ્નોને વાચા આપવા અને આગામી 2024 અને 2026ની ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ વધુ મજબૂત કરવા કાર્યકરોમાં જોમ જુસ્સો ભર્યો હતો.
વિધાનસભા 70 ના ઉમેદવાર અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા એ જણાવ્યું હતુ કે આ વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે કાર્યકરો અને આગેવાનો એ કામ કર્યું છે તેવી જ રીતે થાક્યા વગર ફરીથી લોકોના પ્રશ્નોને વાચા આપવા અને સંગઠનને વધુ મજબૂત બનાવી આગામી ચુંટણીમાં જબરો જનદેશ મેળવવા કામગીરીમાં લાગી જવા કાર્યકરોને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને સીનીયર કોંગ્રેસ અગ્રણી મનસુખભાઈ જોશી, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, વિધાનસભાની ચુંટણીના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂ, હિતેશભાઈ વોરા અને મનસુખભાઈ કાલરીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, મહામંત્રી મહેશભાઈ રાજપુત, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઈ અનડકટ, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નાથાભાઈ કિયાડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિદ્તભાઈ બારોટ, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, પૂર્વ વિરોધપક્ષના નેતા અતુલભાઈ રાજાણી, આગેવાન બાબુભાઈ ડાભી, રહીમભાઈ સોરા, મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ જાડેજા, પૂર્વ મંત્રી રાજદીપસિંહ જાડેજા, લઘુમતી વિભાગ ચેરમેન યુનુસભાઈ જુણેજા, કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી અને વિવિધ વિભાગના વડાઓ હોદ્દેદારો તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના વોર્ડ પ્રમુખો, ઉપપ્રમુખો, મહામંત્રીઓ, મંત્રીઓ, વોર્ડના અગ્રણીઓ વોર્ડ સમિતિના હોદ્દેદારો સહિતના આગેવાનો, કાર્યકરો તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ પરિવારના ભાઈઓ-બહેનો ખુબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન કોંગ્રેસ અગ્રણી મિતુલભાઇ દોંગાએ કર્યું હતું.