- બુધવારે કોંગ્રેસ ઉમેદવારોના નામની ત્રીજી યાદી જાહેર કરશે, ગુજરાતમાં કોંગ્રેસને 2004ના પરિણામ જેવી આશા: વિધાનસભાના કોંગી નેતા અમિત ચાવડાનો આત્મ વિશ્વાસ કે રાજકીય શેખી ?
લોકસભાની છેલ્લી બે ચુંટણીથી ગુજરાતમાં સમખાવા પુરતી એકપણ બેઠક જીતી નહી શકનાર કોંગ્રેસની હાલત હાલ ગુજરાતમાં દિન-પ્રતિદિન દયનીય બની રહી છે. ચુંટણીમાં જોશ-શોરથી પ્રચાર કરી શકે તેટલા કાર્યકરો પણ પક્ષ પાસે હાલ ઉપલબ્ધ નથી. છતાં કોંગ્રેસના નેતાઓનો આત્મ વિશ્ર્વાસ હાલ સાતમા આસમાને છે. લોકસભાની આગામી ચુંટણીમાં કોંગ્રેસ ગુજરાતની ર6 બેઠકોમાંથી 1ર બેઠકો ફતેહ કરશે તેવુ નિવેદન કોંગ્રેસના નેતા અને વિધાનસભામાં વિપક્ષી નેતા અમિતભાઇ ચાવડાએ આપ્યું છે.
ગુજરાતની લોકસભાની ર6 બેઠકો પૈકી કોંગ્રેસ દ્વારા સાત બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જયારે ગઠબંધનના ભાગરુપે ભાવનગર અને ભરુચની બેઠકો આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે. વર્ષ 2014 અને વર્ષ 2019 માં લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં એકપણ બેઠક મળી ન હતી.
દરમિયાન 2022માં યોજાયેલી ગુજરાતી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો મળી હતી. તેમાંથી પણ કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા હવે કોંગ્રેસ પાસે માત્ર 13 ધારાસભ્યો વઘ્યા છે. છતાં કોંગ્રેસના નેતાઓનો રાજકીય આત્મ વિશ્ર્વાસ હાલ સાતમાં આસમાને છે.
અંકલાવના કોંગી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા અમિતભાઇ ચાવડાએ ગઇકાલે એક રાજકીય કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં ર004 ની ઘટનાનું પુનરાવર્તન થશે. ગુજરાતની લોકસભાની ર6 બેઠકો માંથી કોંગ્રેસ 1ર બેઠકો જીતશે. અત્રે ઉલ્લેખનીય છે કે 2004માં દેશભરમાં ભાજપ તરફી વાતાવરણ છે. તેવો માહોલ ઉમો કરવામાં આવ્યો હતો. જયારે જીત કોંગ્રેસને મળી હતી. આ ઘટનાનું ફરી પુનરાવર્તન થશે તેવી આશા કોંગ્રેસના નેતાઓના મનમાં કયાંક છુપાયેલી છે.
હાલ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે. કોંગ્રેસના કરુણ રકાસની હેટ્રીક થાય તેવું લાગી રહ્યું છે.
છતાં કોંગ્રેસના નેતાઓમાં મનમાં હજી ચમત્કારની આશા છે. આવતીકાલે નવી દિલ્હી ખાતે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેકશન કમિટીની બેઠક મળશે. જેમાં ગુજરાતની બાકી રહેતી 17 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે મનોમંથન કરશે. આગામી બુધવારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની ત્રીજી યાદી જાહેર કરવામાં આવશે. જેમાં ગુજરાતની કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે.