રાજ્યભરના ૧ કરોડથી વધુ ઘરની મુલાકાત લઈને કોંગ્રેસનો સંદેશો પહોંચાડશે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના અગ્રણીઓ વચ્ચે બુધવારે રાત્રે કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ પાટીદારોને ઓબીસી ક્વોટામાં સમાવેશ કરીને અનામત આપશે કે આર્થિક ધોરણે અનામત આપશે કે પાટીદારોને અનામત આપવાની અન્ય વૈકલ્પિક બંધારણીય જોગવાઈ અંતર્ગત વિચારણા કરાઈ છે એ અંગેનો ખુલાસો થશે. આ બેઠક બાદ ગુરુવારે કોંગ્રેસ તરફથી પાટીદારોને અનામત આપવા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપથી નારાજ પાસના નેતા હાર્દિક પટેલે આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચીમકી ઉચ્ચારીને કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી હતી. સાથોસાથ કોંગ્રેસને ૮મી નવેમ્બર સુધીમાં પાટીદારોને અનામત આપવા અંગે ૮મી નવેમ્બર સુધીમાં તેમનું વલણ સ્પષ્ટ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પાસની આ જાહેરાતનો પ્રતિસાદ આપવા કોંગ્રેસના પ્રદેશના નેતાઓએ પાસના આઠથી ૯ સભ્યોની બનેલી કમિટી સાથે ગત દિવસોમાં ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકનો અહેવાલ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષાએ બંધારણની મર્યાદામાં રહીને વર્તમાન સંજોગોમાં પાટીદારોને કઈ રીતે અનામત આપી શકાય તેનો અભ્યાસ કરીને એક અહેવાલ સુપરત કરવા કેન્દ્રીય નેતા, વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલને જવાબદારી સોંપી હતી. કપિલ સિબ્બલે આ અહેવાલ તૈયાર કરીને કોંગ્રેસ અધ્યક્ષાને સુપરત કર્યો હતો. જેમાં પાટીદારોને અનામત આપવા અંગેના વિકલ્પોનો સમાવેશ થાય છે.