ભાજપ રાજયનાં અને રાજય બહારનાં તમામ શ્રમિકોનું સન્માન કરે છે અને તેમની સંવેદના સાથેની વ્યવસ્થા અંગેની ચિંતા કરે છે. કેન્દ્ર અને રાજય સરકાર વિવિધ સહાય પેકેજ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રમિકોની ચિંતા કરીને પૂરો પગાર આપવાની ઉદ્યોગકારોને અપીલ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજય સરકારે બી.પી.એલ, એ.પી.એલ. સહિત પરપ્રાંતીય લોકોનો સર્વે કરાવીને અન્નબ્રહ્મ યોજનામાં અનાજની કિટ વગેરેની વ્યવસ્થા કરી હતી. ધાર્મિક, સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, ભાજપના હજારો કાર્યકર્તાઓ અને અનેક જગ્યાએ પોલીસ વિભાગથી માંડીને અન્ય વિભાગે ફુડ પેકેટ અને આરોગ્ય અંગેની ચિંતા કરી હતી. તેમ પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં પરપ્રાંતીય શ્રમિકોની ચિંતા કરીને તેમના વતનમાં જવા સ્પેશ્યલ ટ્રેનની સુવિધા કરી છે અને તે અંગેનો ૮૫% ખર્ચ કેન્દ્ર સરકાર પોતે ભોગવી રહી છે ત્યારે સોનિયા ગાંધી અને કોંગ્રેસે ટિકીટ ભાડા આપવાની કરેલી જાહેરાતએ માત્રને માત્ર એક રાજકીય સ્ટંટ છે. કોંગ્રેસ કયારેય સેવામાં કે ધરતી પર નથી એટલે તેણે આ રાજકીય સ્ટંટ કર્યો હોય તેમ લોકોને લાગી રહ્યું છે. કોંગ્રેસ આ મુદ્દે ઉશ્કેરણીજનક રાજકારણ ઊભું કરવાનો પ્રયાસ કરે છે.
નરેન્દ્રભાઈ મોદીના આવ્યાં પછી ભાજપની સરકારે યોજનાઓના પૈસા, વિધવા પેન્શન, દિવ્યાંગ, ખેડૂતો, મહિલા વગેરે તેમના ખાતામાં ડી.બી.ટી દ્વારા સીધા જમા કરાવ્યાં છે. તેની અનુભૂતિ ગુજરાત અને દેશની જનતાએ કરી છે. જયારે કોંગ્રેસના શાસનમાં તે સમયે કમિશન, દલાલી અને વચેટીયાને કારણે ૧૦ લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો અને ભારત દુનિયામાં બદનામ થયું હતું. કોંગ્રેસે કયારેય પોતાના શાસન દરમ્યાન શ્રમિકોની ચિંતા કરી નથી કે શ્રમિક કલ્યાણની કોઈ પોલીસી બનાવી નથી. માત્રને માત્ર ગરીબ-શ્રમિક-મજુરોનું શોષણ કર્યું છે.અને હવે તે વિપક્ષમાં રહીને આ મુદ્દે મગરનાં આંસુ સારવાં પ્રયાસ કરે છે. તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.