જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય કેતનભાઈ ઈનામદાર વચ્ચેની મુલાકાતથી પ્રશ્નનું સમાધાન થઈ જતાં કોંગ્રેસને દ્વાક્ષ ખાટી લાગવા લાગી
ભાજપના પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાના નિવેદન સામે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ કોઈપણ ઘટના કે મુદ્દા ઉપર અતિ ઉત્સાહમાં આવીને બેફામ આક્ષેપ દ્વારા પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય કેતનભાઈ ઈનામદાર વચ્ચેની મુલાકાતથી પ્રશ્નનું સમાધાન થઈને અમારા ઘરનો મામલો શાંતિથી થાળે પડી ગયો એટલે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. કોંગ્રેસના વિપક્ષ નેતાએ તો ભાજપના ધારાસભ્ય કેતનભાઈને કોંગ્રેસમાં આવવા માટેના આમંત્રણ પણ આપી દીધાં પછી હવે, તેમને દ્વાક્ષ ખાટી લાગવા લાગી છે. એટલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપ સામે જૂઠ્ઠા-બેફામ આક્ષેપ કરી રહી છે. કોંગ્રેસે કાચનાં ઘરમાં રહીને બીજાના પાકાના મકાન ઉપર પત્થર મારવાનો પ્રયાસ ન કરવા જોઈએ. કારણ કે, પાકા મકાનની દિવાલ ઉપર પત્થર મારવાથી તે અથડાઈને કોંગ્રેસને વાગતો હોય છે. કોંગ્રેસ પોતાનું ઘરસંભાળે કોંગ્રેસ પોતાની પાર્ટીની આંતરીક જૂથબંધી-વિવાદો-વંશવાદ ઉપર ધ્યાન આપે. આ અગાઉ પણ કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો અને નેતાઓ કોંગ્રેસની વિચારધારા અને નેતૃત્વની સામે આક્રોશ વ્યકત કરીને પાર્ટી છોડી ચૂકેલા છે હજૂ પણ કોંગ્રેસના કેટલાય નેતાઓ નારાજ થઈને પાર્ટી છોડવા જઈ રહ્યાં છે.કોંગ્રેસ તેની ચિંતા કરે.
પંડયાએ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના મિડીયા સાથેના બનાવને અયોગ્ય અને અશોભનીય ગણાવ્યું હતું. જાહેર જીવનમાં કામ કરતી વ્યક્તિએ વિવેકભાન અને પ્રમાણભાન રાખવું જોઈએ. પોતાની ભાષા અને વ્યવહારમાં સંયમ રાખવો જોઈએ. મિડીયા સાથે ફ્રેન્ડલી અને પ્રજા સાથે વિવેકપૂર્વક હકારાત્મક વ્યવહાર કરવો જોઈએ. જાહેર જીવનમાં ગમે તેટલાં ઉશ્કેરવા કોષિશ કરે તો પણ પ્રજાના પ્રતિનિધીએ વિવેકપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ.
કોંગ્રેસ બીજા પર આક્ષેપ કે સલાહ આપતાં પહેલાં પોતાનો ભૂતકાળ અને વર્તમાન ઉપર નજર નાંખે. કોંગ્રેસના નેતાઓની ભાષા, વિચારો, નિવેદનો અને હિંસાત્મક કાર્યક્રમો ગુજરાત અને દેશની જનતાએ જોયાં છે. ગુંડાગીરી, માફીયાગીરી અને અપરાધીઓ સાથેની સાંઠગાંઠ અને જાતિવાદ-કોમવાદ-આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપતી કોંગ્રેસ પોતાના દર્પણમાં જોવે કારણ કે, દર્પણ કભી જૂઠ્ઠ નહીં બોલતા.