પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે ઓબીસી સમાજના કદાવર નેતા જગદીશભાઈ ઠાકોર અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષને નેતા પદે પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાની પસંદગી: નવા હોદ્ેદારો માટે રાત ઓછીને વેશ ઝાઝા જેવો ઘાટ
સૌરાષ્ટ્ર ક્દાવર નેતાઓ શકિતસિંહ ગોહિલ, પુંજાભાઈ વંશ અર્જૂનભાઈ મોઢવાડીયા, વિરજીભાઈ ઠુંમર કદ મુજબ વેતરાયા: ભરતસિંહ સોલંકીનું ફરી પ્રમુખ બનવાનું સપનું ચકનાચૂર: વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી કોંગ્રેસ જૂથમાં વહેચાશે?
અબતક,રાજકોટ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે રાજયમાં છેલ્લા અઢી દાયકાથી સત્તાવિહોણી કોંગ્રેસ હાઈકમાન્ડે પોતાના ચૂંટણી એજન્ડામાંથી ગુજરાતને કાઢી જ નાખ્યુ હોય તેવું લાગીરહ્યું છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીના હોમટાઉનમાં પંજો હવે ફરી ઉભો થાય તેવી દૂર-દૂર સુધી કોઈ જ શકયતા ન જણાતા અંતે કોંગ્રેસે જાણે હથીયાર જ હેઠા મૂકી દીધા હોય તેવું લાગીરહ્યું છે. રાજયમાં પોતાની પરંપરાગત વોટ બેંક જાળવવા માટે કોંગ્રેસે ફરી એક વખત ઓબીસી અને આદિવાસી સમાજનું શરણુ લીધું છે. સૌરાષ્ટ્રને જાકારો આપવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના કદાવર નેતા ગણાતા મોટા માથાઓને કદ મુજબ વેતરાયા છે. પાટીદાર સમાજની પણ ભારોભાર અવગણના કરવામાં આવી છે. સવર્ણ સમાજને તો સાવ સાઈડ લાઈન કરી દેવામાં આવ્યો છે. પ્રમુખ અને વિપક્ષી નેતાના રાજીનામાના નવ મહિના પછી કોંગ્રેસે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજમાંથી આવતા પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર અને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાની પસંદગી કરવામાં આવી છે. આજે બપોરે ગાંધીનગર ખાતે યોજાનારી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં બંને હોદેદારોના નામોની સતાવાર ઘોષણા કરવામા આવશે.
ગુજરાતમાં ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થતા પોતાની નૈતિક જવાબદારી સ્વીકારતા પ્રમુખ પદેથી અમિત ચાવડાએ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતુ. નવ મહિનાના લાંબા અંતરાળ બાદ અંતે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 10 મહિના અગાઉ નવા પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાના નામની ઘોષણા કરી છે. જેમાં વર્ષોથી પોતાની પરંપરાગત વોટ બેંકને જાળવી રાખવાની મથામણ કરવામાં આવી છે.
રાજયમાં સૌથી વધુ મતદાર ધરાવતા ઓબીસી સમાજને પ્રદેશ પ્રમુખનું પદ આપવામા આવ્યું છે. પાટણથી એક વખત સાંસદ તરીકે ચૂંટાયેલા અને દહેગામ વિધાનસભાથી બે વખત ધારાસભ્ય રહી ચુકેલા જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેઓ ઉતર ગુજરાતમાં સાચી એવી પકકડ ધરાવે છે. જયારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે છોટાઉદેપુર જિલ્લાની પાવી જેતપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય સુખરામ રાઠવાની પસંદગી કરવામા આવી છે. તેઓ મધ્ય ગુજરાતના છે સામાન્ય રીતે હોદેદારોની વરણી જ્ઞાતી અને પ્રદેશને ધ્યાનમા રાખીને કરવામાં આવતી હોય છે. પરંતુ કોંગ્રેસ નવી નિમણુંકમાં સૌરાષ્ટ્રને સાઈડ લાઈન કરી દીધું છે. અને પોતાની પરંપરાગત વોટ બેંક જાળવવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. ફરી એક વખત ગુજરાતના પ્રમુખ બનવાનું પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનું સપનું રોળાઈ ગયું છે. સૌરાષ્ટ્રના મોટાગજાના નેતાઓને કદ મુજબ વેતરી નાખવામા આવ્યા છે.
પ્રદેશ પ્રમુખ માટે રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ અને પૂર્વ પ્રમુખ અર્જૂનભાઈ મોઢવાડીયાનું નામ ચર્ચામાં હતુ. જયારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને વિરજીભાઈ ઠુંમરનું નામ ચર્ચામા હતુ. પરંતુ સૌરાષ્ટ્રના આ ચારેય નેતાઓને જાકારો આપવામાં આવ્યો છે. આજે બપોરે ગાંધીનગર ખાતે મળનારી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના નવા નેતાના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.
ભાજપે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજયમાં નેતૃત્વ પરિવર્તન કરી મુખ્યમંત્રી તરીકે પાટીદાર સમાજના ભુપેન્દ્રભાઈ પટેલને બેસાડી દીધા છે. જયારે કોંગ્રેસે પાટીદાર સમાજને પણ નજર અંદાજ કર્યો છે. પાટીદાર સમાજના કદાવર નેતા હાર્દિક પટેલ હાલ ચોકકસ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. પરંતુ તેઓનું પક્ષમાં ખાસ વજન પડતુ નથી. વિધાનસભાની ચૂંટણીને આડે હવે વધીને 11 મહિનાનો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના નવા હોદેદારો સામે સૌથી મોટો પડકાર તમામ નેતાઓને સાથે રાખી ચૂંટણી જીતવા માટેની વ્યુહરચના ઘડવાનો રહેશે. હાલ હાઈ કમાન્ડે પરંપરાગત વોટ બેંકને જાળવવા ઓબીસી અને આદિવાસી સમાજનું શરણુ લીધું હોય પરંતુ તે કેટલું સફળ થશે તે આવનારો સમય જ બતાવશે.