- કોરોના કાળમાં જીવના જોખમે જનતાની સેવા કરનાર આરોગ્ય કર્મીઓની માંગ સરકાર પૂરી કરે: અમિત ચાવડા
રાજ્યમાં સતત 9 દિવસથી ચાલી રહેલ આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળને ટેકો આપતા અને સરકારને આ કર્મચારીઓની માંગણી પૂરી કરવા રજુઆત કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, લોકોના આરોગ્ય માટે દિવસ રાત મહેનત કરતા ગુજરાતના આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય, મલ્ટી પર્પઝ સુપર વાઇઝર હોય, ફીમેલ હેલ્થ સુપર વાઇઝર હોય કે તાલુકા કે જિલ્લાના સુપર વાઇઝર હોય, આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગના જે પણ કર્મચારીઓ છે. જેમણે કોરાનાના કપરા સમયમાં પણ પોતાના કે પરિવારના જીવની ચિંતા કર્યા વગર આ ગુજરાતના લોકોને કોરોનામાંથી બચાવવા માટે ખૂબ મહેનત અને સંઘર્ષ કર્યો છે.
લાંબા સમયથી આ કર્મચારીઓ પોતાની નાણાકીય માંગણીઓ, વહીવટી માંગણીઓને લઈને સરકારને સતત રજુઆત કરતા આવ્યા છે અને સરકારે પણ અનેક વાર વાટાઘાટો કરી, કર્મચારીઓને માત્ર આશ્ર્વાસનો આપ્યા, એના માટે એક કમિટી પણ બનાવી અને એ કમિટીએ જે ભલામણો કરી એ ભલામણનો અમલ સરકાર કરવા માંગતી નથી.
અમિત ચાવડાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આખા ગુજરાતમાંથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની નાણાકીય અને વહીવટી માંગણીઓને લઈ, છેલ્લા 9 દિવસથી ગાંધીનગરમાં ધામા નાખીને આંદોલન કરી રહ્યા છે, છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી. આ આરોગ્ય કર્મીઓની જે વ્યાજબી માંગણીઓ છે, એમને ટેકનિકલ ગ્રેડ પે મળવો જોઈએ, ખાતાકીય પરીક્ષાઓ થાય છે એમાં આરોગ્ય વિભાગના સિવાયના પ્રશ્ર્નો પૂછાય છે એવી ખાતાકીય પરીક્ષાઓ નાબૂદ થવી જોઈએ.
રાજ્ય સરકારી નીતિને અંગ્રેજો સાથે સરખાવતા અમિત ચાવડાએ જણાવ્યું કે આ આરોગ્ય કર્મીઓ નાણાકીય અને વહીવટી માંગણીઓને લઈ આંદોલનના 9 માં દિવસ થયો હોવા છતાં સરકાર એની સાથે વાટાઘાટ કરવા પણ તૈયાર નથી, ઊલટું અંગ્રેજોની નીતિ મુજબ સરકાર વર્તન કરી રહી છે જેમ કે ભારતના બંધારણે દરેક વ્યક્તિને અભિવ્યક્તિની આઝાદી આપી છે, પણ આ સરકાર હવે નવા અંગ્રેજો રૂપે લોકોને વિરોધ કરવાનો નહી, અભિવ્યક્તિ રજૂ નહી કરવાની અને એ રીતે એમની પર કાયદા અને કાનૂન લગાવી, લોકોને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાના અને ટર્મિનેટ કરવાના આદેશો કરી રહ્યા છે.
વિધાનસભા ગૃહમાં કરવામાં આવેલી રજૂઆત મુદ્ે અમિત ચાવડાએ જણાવ્યું કે વિધાનસભામાં આરોગ્ય વિભાગની ચર્ચામાં પક્ષના ધારાસભ્યો ડો.કિરીટ પટેલ અને વિમલ ચુડાસમાએ આ આરોગ્ય વિભાગના કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ છે, એને માટે સરકાર તેમને તાત્કાલિક વાટાઘાટો માટે બોલાવે અને તેમની માંગણીઓનો સ્વીકાર કરે અને હડતાળને સમાપ્ત કરે.