સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતા નથી, સમય પારખવામાં થાપ ખાઈ ગયેલ કોંગ્રેસને પુન: બેઠી કરવા વ્યાપક મનોમંથન
સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતા નથી, સમય પારખવામાં થાપ ખાઈ ગયેલ કોંગ્રેસને પુન: બેઠી કરવા વ્યાપક મનોમંથન ચાલી રહ્યું છે. એક જમાનાના સૌથી સશક્ત સત્તાધારી પક્ષ તરીકે દાયકાઓ સુધીમાં એક હથ્થુ શાસન ભોગવનાર કોંગ્રેસ આજે હાંસીયામાં ધકેલાઈ ગઈ છે. સમયને પારખવામાં થાપ ખાઈ જનારા ક્યારેય ટકી શકતા નથી. કોંગ્રેસ માટે આ ઉક્તિ બરાબર બંધ બેસતી લાગી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કબુલ કર્યું હતું કે, અમારે કોંગ્રેસનું આખુ નવું માળખું ઉભુ કરવાની જરૂર છે. કોંગ્રેસ સંપૂર્ણપણે વેર વિખેર થઈ ગઈ છે. કોંગ્રેસને ફરી સંકલીત કરી માળખુ ઉભુ કરવામાં આવે તો કોઈપણ નેતા તેનું નેતૃત્વ કરી શકે છે.
ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, અમારા પક્ષનું માળખુ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. પક્ષનું અસ્તિત્વ ટકાવી રાખવા અમારે તેનું માળખુ ફરીથી ઉભુ કરવું પડશે. માળખુ દુરસ્ત થયા પછી કોઈપણ નેતા તેને ચલાવી શકશે. કોંગ્રેસને બેઠી કરવા માટે નેતૃત્વ પરિવર્તનની જરૂર નથી તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, નેતૃત્વ પરિવર્તનથી બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં વિજય મેળવવાની વાત ખોટી છે. આ બધુ તો વ્યવસ્થામાં બદલાવ આવ્યે આપો આપ થઈ જશે.
બિહારની રાજનીતિ અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વિપક્ષના ગઠબંધન સામે નબળી પુરવાર થઈ છે. સિમ્મબલ પાસે પક્ષના નેતૃત્વનો કાંટાળો તાજ હતો. ગુજરાત, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પક્ષની પરિસ્થિતિ સંગીન હોવાનું જણાવી કપિલ સિમ્મબલે કોંગ્રેસને અનુભવી નેતૃત્વ પ્રદાન કરીને હિમાયત કરી હતી.
તેમણે એક અન્ય ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હવે વાતચીત અને આયોજનનો સમય નથી. સાથે મળીને કામ કરવાનો સમય છે. ગાંધી પરિવારના નેતૃત્વ અને તેમના ભોગ જેવું ભાતુ કોંગ્રેસ માટે વિરાસત છે. કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરીએ આપેલા એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, સલમાન ખુરશીદ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી જેવા નેતૃત્વની કાબેલીયત અંગે વિપક્ષો પણ માહિતગાર છે જ હું એમ નથી માનતો કે, કોંગ્રેસને દેશમાંથી જાકારો મળ્યો છે. મને વિશ્ર્વાસ છે કે, કોંગ્રેસને હજુ પણ લોકોનું જન સમર્થન છે પરંતુ કોંગ્રેસનું માળખુ વેરવિખેર થયું છે તેને સુદ્રઢ બનાવવાની જરૂર છે તેમ ખુરશીદે જણાવ્યું હતું.
પક્ષનું નેતૃત્વ કોની પાસે છે તેના પર પક્ષનો આધાર હોય તે હકીકત છે. પરંતુ નેતાઓના નેતૃત્વથી જ બધુ મળી જાય તે શકય નથી. કોઈ માનવા તૈયાર નથી પરંતુ કોંગ્રેસ માટે વેર વિખેર થયેલા માળખાને દુરસ્ત કરવાની ખાસ જરૂરીયાત છે. ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, એક વખત કોંગ્રેસનું માળખુ દુરસ્ત થઈ જાય એટલે આપો આપ તેની ગાડી પાટે ચડી જશે.