૧૭ વર્ષથી રાજુલામાં સત્તા ભોગવી રહેલી ભાજપને ધોબી પછડાટ: અંબરીશ ડેર અને બાબુભાઇ રામની મહેનત રંગ લાવી
અમરેલી જીલ્લામાં રાજુલા-જાફરાબાદ અને ખાંભાની એમ ત્રણ તાલુકા પંચાયતોની ચુંટણી હતીજેમાં રાજુલામાં ૧૭ વર્ષોથી ભાજપ સત્તા પર હતું જયારે જાફરાબાદમાં ભાજપ સત્તા પર હતું. જયારે ખાંભામાં તો કોંગ્રેસ જ સત્તા પર હતું. આ વખતે રાજુલા અને જાફરાબાદમાં ભાજપની જગ્યાએ કોંગ્રેસ સત્તા પર આવતા અને ભાજપની રાજયમાં સરકાર હોવા છતાં તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ ની ચુંટણીમાં બન્ને જગ્યાએ રાજુલા જાફરાબાદમાં મેદાન મારી જતા ભાજપને જબ્બરો આંચકો સહન કરવો પડેલ છે.
રાજુલા-જાફરાબાદમાં ચુંટણી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં રાજુલા તાલુકા પંચાયતના ભાજપના ત્રણ સભ્યો દ્વારા કોંગ્રેસના પ્રમુખ- ઉપપ્રમુખના ઉમેદવારોને ટેકો આપવાની વાત થતાં જ ભાજપના સભ્યો દ્વારા હો હો દેકારો બચાવી દેવામાં આવેલ હતો. અને જોર જોરથી હાકોરા પડકારા કરવામાં આવી રહેલા હતા અને ચુંટણી પ્રક્રિયામાં બાધાઓ નાખતા હોય તેવું લાગતા ચુંટણી અધિકારી તથા પી.આઇ. દ્વસછારા ચાલુ પ્રમુખ વલ્કુભાઇ બોસ તથા કારોબારી ચેરમેન અરજણભાઇ વાઘ અને ભાજપના કેટલા સભ્યોને શાતિ રહેવા સુચના આપવા છતાં નહિ પાલન કરતા તેઓને કડક સુચના આપેલ તેમ છતાં દેકારો થતા પોલીસ દ્વારા તોફાન થતું અટકાવવા તથા કાયદો વ્યવસ્થા જાળવવા ભાજપના ઓક્રોશિત સભ્યોને પોલીસ વાનમાં બેસાડીને સલામત સ્થળે લઇ જવામાં આવેલ હતા. અને બાકી તમામ ભાજપના સભ્યો દ્વારા નારાઓ સાથે વોક આઉટ કરતા તમામને બહાર લઇ જવામાં આવેલ હતા.
ભાજપના સભ્યોના વોકઆઉટ બાદ કોંગ્રેસ-૮ અને ભાજપના ૩ સભ્યો જેમાં (૧) ભેરાઇ સીટ (ર) ધારેશ્વર સીટ અને (૩) મોરંગી શીટના સભ્યો દ્વારા કોંગ્રેસને ટેકો જાહેર કરવામાં આવતા રાજુલામાં કોંગ્રેસના પ્રમુખ તરીકેના ઉમેદવાર બચીબેન બળવંતભાઇ લાડુમોર તથાન ઉપપ્રમુખ ના ઉમેદવાર ગીતાબેન જગુભાઇ ધાંખડા ને ચુંટણીમાં જીતેલા જાહેર કરવામાં આવેલ હતાં.
રાજુલા- જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર દ્વારા એવું નિવેદન આપેલ છે કે, રાજુલા વિધાનસભાની ચુંટણીથી લઇને આજની તાલુકા પંચાયતની ચુંટણી સુધીમાં રાજુલાના નાયબ કલેકટર ડાભી દ્વારા ભાજપને અને હિરાભાઇ સોલંકેની લાભ કેવી રીતે થાય તેવી પ્રક્રિયા કરવામાં રસ દાખવતા હોય ડેર દ્વારા એવું જણાવેલ છે કે ડાભીને જો ભાજપનું કામ કરવું હોય તો ભાજપનો ખેસ પહેરીને ઓફીસમાં બેસવું જોઇએ.
ડેર દ્વારા એવો પણ આક્ષેપ નાયબ કલેકટર ડાભી સામે કરેલ છે કે, તેઓ ભુમાફીયાઓની ફેવર કરી રહ્યા છે અને આંદોલનકારીઓની વિરૂઘ્ધ કાર્યવાહી કરી રહ્યા છે અને તેઓને ન્યાય નથી મળતો.
આમ, રાજુલામાં થોડી ઘણી કશમકશ બાદ બચીબેન બળવંતભાઇ લાડુમોર પ્રમુખ તરીકે જયારે ગીતાબેન જગુભાઇ ધાખડ ઉપપ્રમુખ તરીકે ચુંટાયેલા જાહેર થયેલા છે.
જયારે જાફરાબાદમાં રખમાઇબેન ભીમભાઇ કવાડ પ્રમુખ તરીકે જયારે કરણભાઇ પટેલ ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ ચુંટાયેલા જાહેર થયેલા છે. જેમાં કરણભાઇ પટેલ મુળ ભાજપના સભ્ય છે અને તેઓ પ્રમુખ તરીકે હતા તેઓ દ્વારા ભાજપના સત્તાવાર ઉમેદવાર મનુભાઇ વાજા સામે ફોર્મ ભરેલ અને તેઓ ૧૦ મને વિજેતા પણ બનેલ છે.
આમ રાજુલા-જાફરાબાદ મા ધારાસભા બાદ તાલુકા પંચાયતો પણ કોંગે્રસ દ્વારા આચકી લેવામાં આવેલ છે જેમાં ધારાસભ્ય અંબરીશભાઇ ડેર અને કોંગ્રેસ અગ્રણી બાબુભાઇ રામ તથા સમગ્ર કોંગ્રેસના યુવાનો અને આગેવાનો દ્વારા ચાણકયનીતી અને એકસંપથી કામ કરતા ભાજપના ૧૭ વર્ષની સત્તાનો અંત આવેલ છે.