ફરિયાદોનો નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી મેયર ચેમ્બરમાં ધરણા પર બેસી જવાની કોંગી કોર્પોરેટરોની ઉગ્ર રજુઆત: વિજય વાંક મેયરના ટેબલ પર ચડી જતા વિજિલન્સ પોલીસે ટીંગાટોડી કરી બહાર કાઢયા
ભારે વરસાદના કારણે શહેરના તમામ ૧૮ વોર્ડમાં ડ્રેનેજ લાઈનો ઓવરફલો થતી હોવાની ફરિયાદોનો ધોધ વછુટી રહ્યો છે. બીજી તરફ ડામર કામમાં બેફામ ભ્રષ્ટાચારના કારણે વરસાદમાં શહેરના મોટાભાગના રાજમાર્ગો બિસ્માર બની ગયા છે. ડ્રેનેજ અને ડામર પ્રશ્ર્ને આજે કોંગી કોર્પોરેટરોએ મેયર ચેમ્બરમાં ભારે હંગામો મચાવ્યો હતો. વિજય વાંકે મેયરના ટેબલ પર ચડી જવાનો પ્રયાસ કરતા બંદોબસ્ત માટે હાજર વિજિલન્સ પોલીસે વિજયને ટીંગાટોડી કરી ચેમ્બરની બહાર ધકેલી દીધો હતો. ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે કોંગી કોર્પોરેટરો મેયર ચેમ્બરમાં ધરણા પર બેસી ગયા હતા.ભારે વરસાદના કારણે શહેરભરમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ ગઈ છે. ૧૦-૧૦ દિવસ સુધી ફરિયાદોનો નિકાલ થતો નથી. આટલું જ નહીં બેફામ ભ્રષ્ટાચારના કારણે ડામરના રોડ પણ તુટી ગયા છે. જેની તપાસ કરાવાની માંગ સાથે આજે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં તમામ ૩૪ કોંગી કોર્પોરેટરોએ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ તમામ કોંગી કોર્પોરેટરો મેયર ચેમ્બરમાં પહોંચી ગયા હતા અને ત્યાં ડ્રેનેજની ફરિયાદો અને ડામરના ભ્રષ્ટાચાર અંગે વ્યાપક હંગામો કર્યો છે અને મેયરનો ઘેરાવ કર્યો હતો. સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય અને કોંગી કોર્પોરેટર વિજય વાંકે મેયરના ટેબલ પર હાથ પછાડી ટેબલ પર ચડી જવાનો પ્રયાસ કરતા વિજિલન્સ પોલીસે ટીંગાટોડી કરી તેને બહાર કાઢયો હતો. ડ્રેનેજની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગણી સાથે કોંગી કોર્પોરેટરો મેયર ચેમ્બરમાં ધરણા પર બેસી ગયા હતા. અવાર-નવાર રજુઆત કરતા છતા ફરિયાદોનો નિકાલ ન થતો હોય મેયર ડો.જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને કોંગી કોર્પોરેટરો વચ્ચે વ્યાપક જીભાજોડી થઈ હતી.પરિસ્થિતને પારખી ભાજપના શાસકોએ તાત્કાલિક મેયર ચેમ્બરમાં ડીએમસી અ‚ણ મહેશ બાબુ તથા ચેતન નંદાણીને બોલાવ્યા હતા. બંને ડીએમસીને કોંગી કોર્પોરેટરોએ વોર્ડ વાઈઝ ડ્રેનેજની ફરિયાદોના આંકડાઓ આપ્યા હતા. મ્યુનિ.કમિશનરને રજુઆત કરતા કોંગી કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે, એક માસમાં ડ્રેનેજની ૫૦૦૦ જેટલી ફરિયાદો નોંધાઈ છે. જેમાંથી આજની તારીખે ૭૦ ટકા ફરિયાદો પેન્ડીંગ છે. મહાપાલિકા સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ બિનજ‚રી કરોડો ‚પિયાના ખર્ચા કરે છે પરંતુ ભુગર્ભના જળ ઉલેચવા માટે મનપાએ ભાડે અથવા ભીખ માંગી પંપો મંગાવવા પડે છે. કોંગ્રેસે તાત્કાલિક ડ્રેનેજની ફરિયાદોનો નિકાલ કરવા અને ડામર કામમાં થયેલા બેફામ ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગણી કરી હતી.