એસપી રાજકીય ઇશારે કોંગ્રેસના કાર્યકરો અને પ્રજાને દબાવવાનો કરે છે પ્રયાસ: ધારાસભ્ય ગેનીબેન ઠાકોર
બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસ એમએલએએ એક ટ્વીટ કરી બનાસકાંઠાના જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. બનાસકાંઠા એસપી રાજકીય હાથો બની કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરતા હોવાનો આક્ષેપ ગેનીબેન ઠાકોરે કર્યો છે.
આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ, ” આપસૌ વાવ,થરાદ તાલુકાના તમામ સમાજના વડીલો યુવાન ભાઈઓને વિનંતી છે કે બનાસકાંઠા એસ.પી.રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરોને અને આમ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યારે તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે. ત્યારે આ બાબતે જેલ-ભરો આંદોલન સાથે જાહેર સભાનું થરાદ મુકામે આયોજન કરવામાં આવશે. આપ સૌને તારીખ અને સ્થળ એકાદ દિવસ પછી નક્કી કરીને જણાવવામાં આવશે તો આપ સૌ અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે કટિબંધ બની પધારશો તેવી અમે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ”
કોંગ્રેસના નેતા અને બનાસકાંઠા જિલ્લાના વાવ મત વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના સુપરિન્ટેન્ડેન્ટ પોલીસ અક્ષયરાજ મકવાણા દ્વારા “રાજકારણીઓના ઈશારે તેમના સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ” કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે ’જેલ ભરો’ આંદોલનની જાહેરાત કરી હતી.
આ અંગે ઠાકોરે એક ટ્વિટ દ્વારા નિવેદન આપ્યું હતું કે, જેમાં આરોપ લગાવ્યો હતો કે બનાસકાંઠાના એસપી તેમના પદનો દુરુપયોગ કરી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને સામાન્ય જનતાને પીડિત કરી રહ્યા છે. આક્ષેપો લગાવતા તેઓએ જણાવ્યું હતું કે “અધિકારી રાજકારણીઓના ઇશારે પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. અમે જેલભરો આંદોલનનો આશરો લઈને ગાંધીવાદી રીતે આનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.” સોમવારે મીડિયા સાથે વાત કરતા ઠાકોરે કહ્યું હતું કે, “એસપી રાજ્યમાં શાસક પક્ષના નિર્દેશો પર કામ કરી રહી છે અને કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને સામાન્ય જનતાને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.” તેઓએ ઉમેર્યું હતુ કે, “અમારા નેતાઓએ આ અંગે સીએમ, ડીજીપી, રેન્જ આઈજી અને અન્ય સત્તાવાળાઓને રજૂઆતો કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે એસપીના વલણ સામે જેલભરો વિરોધનો આશરો લઈશું.”
આ સાથે કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ પક્ષપાતી રીતે વર્તી રહી છે, કોંગ્રેસના કાર્યકરો સામે કડક કાર્યવાહી કરી રહી છે અને ભાજપના કાર્યકરો પ્રત્યે ઉદારતા દાખવી રહી છે.