સોનિયા ગાંધીની અઘ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ઉમેદવારોના નામ પર મંજુરીની મહોર મરાશે: સત્તાવાર જાહેરાત આજે અથવા કાલે થવાની સંભાવના
કોંગ્રેસની વિધાનસભાની ચુંટણીના ઉમેદવારો નકકી કરવા માટે યોજાયેલી સ્ક્રીનીંગ કમિટીમાં અત્યાર સુધીમાં ૧૫૦ ઉમેદવારો સર્વસંમતિથી નકકી કરવામાં આવ્યા છે.
કોંગે્સ અઘ્યક્ષા સોનીયા ગાંધીની અઘ્યક્ષતામાં શુક્રવારે યોજાનારી કેન્દ્રીય ચુંટણી સમીતીની બેઠકમાં આ ઉમેદવારોના નામ પર મંજુરીની મહોર મારવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત શુક્રવારે મોડી સાંજે અથવા શનિવારે કરવામાં આવે તેવી શકયતા છે.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, નવી દિલ્હીમાં બુધવારે યોજાયેલી સ્ક્રીનીંગ કમિટીમાં નકકી કરવામાં આવેલા ઉમેદવારોની યાદી જયારે કોંગ્રેસ ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધીએ ચકાસ્યું ત્યારે તેમણે કેટલીક બેઠકોના ઉમેદવારો સામે વાંધા ઉઠાવ્યો હતો.
જાણકારો કહે છે કે રાહુલ ગાંધીએ તેમણે કરાવેલા ખાનગી અને સ્વતંત્ર સર્વેમાં ઉમરેલા નામ અને કમિટીએ નકકી કરેલાં.
ઉમેદવારોના નામની તુલના કરી ત્યારે છાપેલા કાટલા અને બે વાર હારેલા દાવેદારોને ઉમેદવાર ન બનાવવાની કોંગ્રેસની માર્ગદર્શિકાનું પાલન થયું ન હોવાનું જણાયું હતું.
આ ઉપરાંત સહપ્રભારીએ તૈયાર કરેલા અહેવાલમાં ઊભરી આવેલા ઉમેદવારોના નામ યાદીમાં ન હોવાથી રાહુલ ગાંધીએ આવી બેઠકોના ઉમેદવારો અંગે ફેર વિચારણા કરવા જણાવ્યું હતું.
રાહુલના આદેશને પગલે સ્ક્રીનીંગ કમિટીની બેઠક એક દિવસ લંબાઇ હતી અને શુક્રવારે દિવસ દરમિયાન કમિટીએ ઉમેદવારોની પસંદગીની ફરીથી કવાયત હાથ ધરવી પડી હતી.
પાટીદાર આંદોલન સમિતિને આપવામાં આવેલી બેઠકમાં પણ છેલ્લી ઘડીએ કેટલાક ફેરફાર કરવા પડયા હોવાનું જણાવતાં સૂત્રો કહે છે કે ઉત્તર ગુજરાતની અનેક બેઠકો પર ઠાકોર સહીત પછાત સમાજ અને પાટીદારસમાજનું સંતુલન જાળવવા ભારે મથામણ કરવી પડી છે.
સ્ક્રીનીંગ કમિટીએ પ્રથમ તબકકાની ૮૯ બેઠકોમાંથી ૭૦ બેઠકના સીંગલ ઉમેદવારો નકકી કરવા માટે ત્રણથી ચાર વાર બેઠક યોજી હતી પરંતુ બીજા તબકકાની ૯૩ બેઠકના ઉમેદવારો પસંદ કરવમાં પણ ખાસ્સી કસરત કરવી પડી છે.
કોંગ્રેસ ઉપાઘ્યક્ષ આ ચુંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં કોઇ કચાશ રાખવા માગતા નથી.
તેથી તેમણે સહ પભારીઓને દરેક વિધાનસભા બેઠકને રુબરુ મુલાકાત કરાવીને તૈયાર કરેલા ડિટેઇલ અહેવાલને આધારે જીતી શકે તેવા ઉમેદવારોની યાદી અલગથી તૈયાર કરાવી છે.
કોંગ્રેસ ઉપાઘ્યક્ષે આગામી ચુંટણીમાં કોંગ્રેસના જૂના અને જાણીતા ચહેરાઓને સ્થાને યુવાનોને વધુ પ્રાધાન્ય તક આપવા અને મહિલાઓને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપવા પર ભાર મુકયો છે.