7મીએ હાથ સે હાથ જોડો યાત્રા અંતર્ગત ગાંધી આશ્રમથી કોચરબ આશ્રમ સુધી પદયાત્રા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે અમદાવાદ શહેર જીલ્લા સમિતિની બેઠક યોજવામાં આવી હતી,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે,આજે ફરી દેશ સામે કપરો સમય આવી ને ઉભો છે. યુવાનો પાસે નોકરી નથી, પેપરો ફોડી તેમના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે, મોંઘવારી સામે સામાન્ય નાગરિક નિ:સહાય બની ગયો છે, મીડિયા નિષ્પક્ષ હોવાને બદલે એકજ પક્ષનું બની ગયું છે, એક-બે વ્યાપારીઓ દેશની સંપત્તિને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે, સરકારના નેતાઓ અને મંત્રીઓ દેશના નાગરિકો વચ્ચે ભેદભાવ ઉભા થાય તેવા ભાષણ અને આચરણ કરી રહ્યા છે. એટલે જ શ્રી રાહુલ ગાંધીએ સપ્ટેમ્બરમાં ક્ધયાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો પદયાત્રા શરુ કરી અને 4000 કિલોમીટર ચાલીને દેશના ખૂણે ખૂણે એકતા અને અખંડતાની મશાલ જલાવી. એક નેતા તરીકે, એક નાગરિક તરીકે અને કોંગ્રેસના સાચા સિપાહી તરીકે તેમણે પોતાની જવાબદારી નિભાવી છે. હાથથી હાથ જોડવા માટે તા. 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ ગાંધી આશ્રમ થી કોચરબ આશ્રમ સુધીની પદયાત્રામાં સૌને જોડાવવા આગ્રહ કર્યો હતો.
શહેર કોંગ્રેસ સમિતિના પ્રભારી બિમલ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા સમાન વારંવાર પેપર લીકની ઘટના થઈ રહી છે. ગુજરાતમાં ભાજપ સરકાર ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી ચુકી છે. વધુ એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. તાજેતરની જુનિયર કલાર્કની પરીક્ષામાં 10 લાખ થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય રોળાયા છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે, ભાજપ સરકારમાં વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેતપત્ર રજુ કરવામાં આવે તથા સ્પર્ધાત્મક પરીક્ષાની ફોર્મ ફી નાબુદ કરી અને પરીક્ષાના કોલ લેટરને રેલ્વે-બસમાં નિ:શુલ્ક પરિવહનનો પાસ ગણવામાં આવે.
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીરવ બક્ષીએ પક્ષ દ્વારા આપવામાં આવેલા આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને અપીલ કરી હતી તથા જે પ્રમાણે એક ઉદ્યોગપતિને બચાવવા દેશની જનતાના રોકાયેલા મહામુલા એલ.આઈ.સી.ના રૂપિયાની બરબાદી થઈ છે અને એસ.બી.આઈ. બેંક અને પંજાબ નેશનલ બેંક જેવી અનેક સરકારી સંસ્થાઓએ અદાણી એન્ટરપ્રાઈઝમાં પોતાના રૂપિયા લગાવ્યાં છે, દેશની જનતાના રૂપિયાની જવાબદારી એ સરકારની છે અને સરકાર એ સાચવવામાં નિષ્ફળ રહી છે તેની સામે તા. 6 ફેબ્રુઆરી, 2023 સોમવારના રોજ એલ.આઈ.સી. ઓફીસ, રીલીફ રોડ, એસ.વી. કોલેજ પાસે બપોરે 1-00 થી 3-00 ધરણા પ્રદર્શન કરવામાં આવશે તથા ભારત જોડો યાત્રાની કડીરૂપ હાથ થી હાથ જોડો યાત્રા તા. 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ ગાંધી આશ્રમ થી કોચરબ આશ્રમ સુધીની પદયાત્રામાં સૌને જોડાવવા આગ્રહ કર્યો હતો. ઉપરોક્ત આગામી કાર્યક્રમો માટે વિધાનસભા દીઠ તથા વોર્ડ વાઈઝ બેઠક કરીને આ કાર્યક્રમોને સફળ બનાવવા પ્રમુખ જગદીશ ઠાકોરને ખાતરી આપી હતી..