કોંગ્રેસ ઈટાલિયન કાચના ચશ્માને બદલે મેક ઈન ઈન્ડિયાના કાચના ચશ્માથી જુએ તેમ રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે નર્મદાનું પાણી કયાંય પહોંચ્યું નથી તેવા કોંગ્રેસી મિત્રોના નિવેદનનો પ્રત્યુતર આપતા જણાવ્યું છે.
પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસે લગભગ ૪૦ વર્ષ સુધી શાસન ચલાવ્યું પરંતુ લોકોને સારું પીવા લાયક પાણીની કોઈ કાયમી યોજના આપી શકયા નથી. ૧૯૮૬,૮૭,૮૮ના ત્રણ વર્ષના દુષ્કાળ સમયે રાજકોટમાં પીવાના પાણીની સ્થિતિ ખરાબ હતી ત્યારે રાજકોટની રોજની જ‚રિયાત ૯૦ લાખ ગેલન સામે ૧૦ લાખ ગેલન પાણી ટ્રેઈનથી આપતા હતા તે સમયે ગામડાના તળમાં પાણી હતા. કેટલાક તળાવોમાં પણ પાણી હતા. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ઓછો પડવાના કારણે નદી, નાળા, કુવા, ડેમ ખાલી છે. ત્યારે જો ભાજપ સરકારે નર્મદા આધારીત સૌરાષ્ટ્ર-કચ્છ માટેની પીવાના પાણીની એક લાખ સતાવીશ હજાર કી.મી.ની. પાઈપ લાઈન, સંપ, ઓવરહેડ ટેન્ક જો ન બનાવી હોત તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છની હાલત શું હોત ?
આજે સૌરાષ્ટ્ર કચ્છમાં જનજીવન તે જ‚રીયાત જેટલું પાણી ઘરબેઠા પાઈપ લાઈનથી મળે છે તે સમગ્ર રાજયની જનતા જાણે છે તે સમયે કોંગી મિત્રો એમ કહે છે કે નર્મદાનું પાણી કયાંય મળતું નથી તે કેટલું સત્ય છે કે અસત્ય તે સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા સારી પેઠે જાણે છે.
એક વખતનો સુરેન્દ્રનગર જીલ્લો કે જે સૌથી વધુ પાણી ખેંચ ભોગવનાર હતો તે સુરેન્દ્રનગરમાં આજે ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી કાયમી ભરેલ રહેવાના કારણે સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવામાં કેન્દ્રસમો બન્યો છે અને તેના કારણે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે પાણીની પાઈપ લાઈનથી સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના ગામોને પાણી આપી શકાય છે. સૌની યોજનાએ સૌરાષ્ટ્ર-કચ્છની ખમીર અને ખુમારીને ધ્યાને લઈને બનેલ છે જે બનીને જ રહેશે. રાજય સરકારે તેના માટે અલગ બજેટની જોગવાઈ કરેલ છે અને સરકાર તે કાર્ય પૂર્ણ કરવા પ્રતિબઘ્ધ છે.