રાહુલની પીછેહટ, સોનિયાની માંદગી, પ્રિયંકા ઉપર કોંગ્રેસની આશ!!!

મધ્યપ્રદેશની એપ્રિલમાં ખાલી પડનારી રાજયસભાની ત્રણ બેઠકમાંથી એક બેઠક પર પ્રિયંકાને ઉમેદવારી કરાવવા કોંગીજનોની માંગ

દેશને અંગ્રેજોના ગુલામી કાળમાંથી આઝાદી અપાવવામાં સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસનો મહત્વપૂર્ણ ભાગ હતો આઝાદી બાદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કોંગ્રેસ-પાર્ટીનું વિસર્જન કરી નાખવાની સલાહ આપી હતી પરંતુ તત્કાલીન કોંગ્રેસી આગેવાનોએ સતાના મોહમાં ગાંધીજીની આ સલાહ અવગણીતી આઝાદીના સાત દાયકાઓ બાદ ગાંધીજીની આગાહી સાચી પડતી હોય તેમ કોંગ્રેસ પાર્ટીની હાલત સતત કથળી રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં લાંબા સમયથી પ્રવર્તતી રહેલી આંતરીક જુથબંધીનાં કારણે પાર્ટીના હાલના નેતાઓમાં દીર્ધદ્રષ્ટીનો અભાવ સહિતની અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં જવાહરલાલ નહેરૂના સમયથી ચાલ્યો આવતો નહેરૂ-ગાંધી પરિવારનો દબદબો યથાવત છે.પરંતુ આ એક જ પરિવારના વર્ચસ્વના કારણે પાર્ટીની હાલત એક સાંધે ત્યાં તેર તુટે જેવી થઈ જવા પામી છે.

કોંગ્રેસમાં નહેરૂ ગાંધી પરિવારના દબદબાના કારણે આ પરિવારમાંથી આવતા સદસ્યને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની કોંગ્રેસીઓમાં માનસિકતા યથાવત રહેવા પામી છે. ગાંધી પરિવારના નવી પેઢીના મુખ્ય રાજકીય વારસ ગણાતા રાહુલ ગાંધી રાજકીય રીતે અપરિપકવ હોય અવારનવાર રાજકીય વર્તુળોમાં હાંસીનું પાત્ર બનતા રહે છે. પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે ગત વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજય બાદ રાહુલે પોતાની અક્ષમતાનો સ્વીકાર કરીને અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને પીછેહઠ કરી લીધી હતી. જે બાદ સોનિયા ગાંધીને વચગાળાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાંઆવ્યા છે. પરંતુ સોનિયા ગાંધી લાંબા સમયથી બિમાર છે અને સમયાંતરે અમેરિકા બિમારીની સારવાર કરાવવા જવું પડે છે. તેઓ પોતાની વધતી વયના કારણે પણ પાર્ટીમાં નવસંચાર લાવવામાં નિષ્ફળ રહ્યા છે. જેથી હવે કોંગ્રેસ પાર્ટી પાસે સ્વ. ઈન્દીરા ગાંધી જેવી પ્રતિભા ધરાવતા પ્રિયંકા ગાંધી પર આખરી આશા છે. ગત વર્ષની લોકસભા ચૂંટણી પહેલા પ્રિયંકાને રાજકારણમાં સક્રિય કરીને રાષ્ટ્રીય મહામંત્રી બનાવીને ઉત્તર પ્રદેશનો હવાલો સોંપાયો હતો. પરંતુ લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને નિરાશાજનક હાર મળી હતી. તેમ છતાં, પ્રિયંકા ગાંધી જ કોંગ્રેસ માટે ગાંધી પરિવારની આખરી આશા સમાન છે. જેથી સંસદને ગજાવવા પ્રિયંકા ગાંધીને મધ્યપ્રદેશમાંથી રાજયસભામાં મોકલવા કોંગ્રેસે તખ્તો ઘડી કાઢ્યો છે.

દેશના રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી અને અમિત શાહના એક ચક્રિય પ્રભાવ વચ્ચે કોંગ્રેસ સહિતના પક્ષો માટે અસ્તિત્વના સંઘર્ષ જેવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને રાજયસભામાંથી સંસદમાં મોકલવા તૈયારી કરી રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને રાજય કોંગ્રેસના નેતાઓએ સોમવારે ઉઠાવેલી બુલંદ માંગમાં પ્રિયંકા ગાંધીને મધ્યપ્રદેશની ખાલી પડનારી રાજયસભા પરની બેઠક પરથી મોકલવા રજૂઆત કરી છે.

admin ajax 1

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહા સચિવે આ માંગ હાઈકમાન્ડને મોકલી છે. એપ્રીલ મહિનામાં મધ્યપ્રદેશમાં રાજયસભાની ત્રણ બેઠકો ખાલી થશેજેમાંથી બે શાસક પક્ષ કોંગ્રેસ અને ૧ બેઠક ભાજપના ફાળે જાય તેવી સ્થિતિ છે. ત્યારે પ્રિયંકા ગાંધીને રાજયસભામાં મોકલવા માંગ ઉઠી છે. અત્યારે ૩ બેઠકો ઉપર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત જા, સત્યનારાયણ અને કોંગ્રેસના દિગ્વિજયસિંગ પ્રતિનિધિત્વ કરે છે. જેની મુદત ૧ એપ્રીલે પુરી થશે.

મધ્યપ્રદેશ અનુસુચિત જાતી, અનુસુચિત જન જાતીની બહુવિધ વસ્તી ધરાવતા રાજય છે. વિસ્તારમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરાગાંધી પ્રત્યે સવિશેષ સહાનુભૂતિ હતી. આ કારણે નેહરૂગાંધી પરિવારની લોકપ્રિયતા હજુ અકબંધ છે. સજજનસિંગ વર્મા અને આદિવાસી નેતાઓ કમલનાથની વધુ સમીપ છે.

શહેરી વહીવટના મંત્રી જયવર્ધનસિંગે પણ પ્રિયંકા ગાંધીને રાજયમાં આવકાર આપ્યો છે. તેમણે જણાવ્યું હતુ કે, રાજકારણમાં આગળ વધવુ એ પ્રિયંકા ગાંધીનું સૌજન્ય ગણાશે તે તેમનું નામ જાહેર થાય તો તમામ વર્ગ તેને આવકારશે માત્ર કોંગ્રેસ પક્ષ જ નહી પણ તેમનું નેતૃત્વ દેશ માટે આવશ્યક છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં સક્રિય રહીને દેશમાં નવા માહોલ ઉભો કર્યો છે. કાયદામંત્રી ટીસી શર્માએ જણાવ્યું હતુકે પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધીને મધ્યપ્રદેશમાંથી રાજયસભામાં મોકલવાનો નિર્ણય કરશે જોકે વિપક્ષ કોને ઉતારે છે તેના પર મીટ છે. દિગ્વિજયસિંગ પ્રથમ ટર્મ પુરી કરી છે. હવે જયોતિરાધિત્ય સિંધિયાનું નામ બીજી ટર્મ માટે નામ ચર્ચાય રહ્યું છે.

ઇન્દીરાએ એમ.પી. બનાવેલા ‘કમલનાથ પ્રિયંકા’ને એમપી બનાવે: સજજનસીંગ વર્મા

૪૦ વર્ષ પહેલા સ્વ. ઇન્દિરા ગાંધીએ કમલનાથને મઘ્યપ્રદેશમાં લાવીને સાંસદ બનાવ્યા હતા. હવે આજ પરિસ્થિતિ અને સમય પ્રિયંકા ગાંધી માટે માટે આવ્યો છે કે તેમને પણ મઘ્યપ્રદેશમાં સંસદમાં મોકલીને સક્રિય રાજનીતીમાં પ્રવેશ આપવો જોઇએ તેવી સજજનસીંગ વર્મા પછી પૂર્વે કેન્દ્રીય મંત્રી અરૂણ યાદવે પણ ટ્રવીટ કરીને માંગ કરી છે. એ સમય આવી ગયો છે કે રાહુલ ગાંધીજીને પક્ષનો હવાલો સોંપવામાં આવે અને પ્રિયંકા ગાંધીને રાજયસભામાં મઘ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ અપાય તે પક્ષના હિતમાં છે તેનાથી સમગ્ર વિસ્તારમાં પાયાના સંઘર્ષને ફાંસીવાદી વિચાર ધારા સામે વધુ મજબુતી મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.