આર્થિક પેકેજમાં સ્થાનાંતરીતો માટે કોઈ જોગવાઈ ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: વડાપ્રધાન મોદીએ પીએમ કેર ફંડમાંથી સ્થાનાંતરીતો માટે રૂા.૧૦૦૦ કરોડ ફાળવવાની પીએમઓની સ્પષ્ટતા
વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્રની મોદી સરકારે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું હતુ. આ લોકડાઉનનાં કારણે સમગ્ર દેશ થંભી જતા મોટાભાગના ધંધા રોજગાર ઠપ્પ થઈ જવા પામ્યા હતા. જેથી તમામ પ્રકારનાં ઉદ્યોગોને ભારે નુકશાન પહોચવા પામ્યું હતુ જેના કારણે અર્થતંત્ર પણ માંદગીના બિછાને પહોચી જવા પામ્યું હતુ જેથી અર્થતંત્રને ધબકતુ કરવા તાજેતરમાં મોદી સરકારે રૂા. ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. આ આર્થિક પેકેજમાં પણ વિપક્ષ કોંગ્રેસે અનેક વાંધાવચકા કાઢતા જણાવ્યું છે કે આ રૂા.૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ એક ‘મોટુ મીંડુ’ સમાન છે.
કોંગ્રેસના વરિષ્ટ આગેવાન અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકારની આર્થિક પેકેજની જાહેરાત બાદ ટવીટ કરીને જણાવ્યું હતુ કે આ પેકેજ નિરાશકર્તા છે. આ પેકેજમાં સ્થાનાંતરીતો માટે કોઈ સહાયની જોગવાઈ કરવામાંઆવી નહોય મોટા મીંડા સમાન છે. આ પેકેજમાં સ્થાનાંતરીતો માટે કોઈ મદદની જાહેરાત ન કરીને ભાજપ સરકારે તેમની રોજગારી સર્જન અને અર્થતંત્રને ધબકતુ કરવાની કેવી નીતિ છે ? તેનું ઉદાહરણ પૂરૂ પાડયું છે. આ પેકેજને ચિદમ્બરમે મોદી સરકારની અજ્ઞાનતા અને ભયના ફફડાટમાં કરેલી જોગવાઈ સમાન ગણાવ્યું હતુ તૃણમુળ કોંગ્રેસ, ડાબેરી પક્ષો સહિતના વિપક્ષોએ પણ આ આર્થિક પેકેજ મુદે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ વજપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ખાસ આર્થિક પેકેજને ઐતિહાસિક ગણાવતા કહ્યુ કે, આ આર્થિક પેકેજ આત્મનિર્ભર ભારતને સંકલ્પ સિદ્ધ કરવાની સાથે-સાથે દેશના ગરીબ, મજૂર અને મધ્યમ વર્ગોની સ્થિતિ સુધારવા અને મજબૂત બનાવવામાં મહત્વનની ભૂમિકા ભજવશે.
આત્મનિર્ભર ભારત માટે જે ૨૦ લાખ કરોડ રુપિયાના આર્થિક પેકેજની વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે એ ભારતની જીડીપીનું ૧૦ ટકા છે. તેમણે જણાવ્યુ કે, ૨૦ લાખ કરોડ રુપિયાનુ આ પેકેજ દેશની વિકાસ ગાથાને ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે આ પેકેજમાં ગરીબો, મજૂરો, મધ્યમ વર્ગ અને લઘુ ઉદ્યોગો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બુધવારે પીએમ કેર ફંડમાંથી કોરોના સામેના જંગમાં રૂા.૩,૧૦૦ કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી જેમાંથી રૂા.૨,૦૦૦ કરોડ ભારતીય બનાવટના વેન્ટીલેટર ખરીદવા માયે અને રૂા.૧૦૦૦ કરોડ રૂા. સ્થાનાંતરીતોની સંભાળ રાખવા માટે ફાળવવામાં આવ્યા છે. જયારે ૧૦૦ કરોડ રૂા. કોરોના વાયરસ માટે રસી વિકસિત કરવા પ્રયાસો હાથ ધરવા માટે ફાળવવામાં આવ્યા છે. જેથી મોદી સરકારના રૂા. ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજમાં સ્થાનાંતરીતો માટે કોઈ પણ જોગવાઈ કરવામાં ન આવ્યાનો પી. ચિદ્મ્બરમના આક્ષેપનો હવામાં બાણ સમાન હોવાનું રાજકીય પંડીતોમાં ચર્ચાઈ રહ્યું છે.