ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ૭૦ ઉમેદવારોને ફાઈનલ કર્યા છે. જેમાં વર્તમાન ૪૩ ધારાસભ્યોને રિપીટ કરવાની ખાતરી અપાઈ છે. આમ છતા પાંચેક ધારાસભ્યોએ સામેથી ચૂંટણી લડવાનો ઈનકાર કરાતા અનેક તર્કવિતર્ક ઉઠી રહ્યા છે. આ ધારાસભ્યોએ કોઈ માટે જગ્યા ખાલી કરવા કે કોઈના ડરથી જગ્યા ખાલી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ શુક્રવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ૭૦ ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર મારી છે. આ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત ૧૬મી નવેમ્બરે કોંગ્રેસ પ્રભારી અને સ્ક્રિનીંગ કમિટીના અધ્યક્ષ બાળાસાહેબ થોરાટ દિલ્હીથી કરશે.
વિશ્વસનિય સૂત્રોના જણાવ્યા મુજબ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યસભાના સાંસદ એહમદ પટેલ સહિતના આગેવાનો સમક્ષ સ્ક્રિનીંગ કમિટીએ સૂચવેલી ૧૦૦ ઉમેદવારોની યાદી ઉપર ચર્ચા કરાઈ હતી, જેમાંથી ૭૦ ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ યાદીમાં પાટીદારો અને ઓબીસી સમાજો સાથે થયેલી સમજૂતિ મુજબના ૩૦થી વધુ ઉમેદવારો ઉપરાંત મહિલાઓ અને યુવા ચહેરાઓનો સમાવેશ કરાયો છે. વર્તમાન ૪૩ ધારાસભ્યોને રિપીટ કરવાની ખાતરી અપાઈ છે, આમ છતાં પાંચેક ધારાસભ્યોએ સામેથી ચૂંટણી લડવા ઈનકાર કર્યો હતો આ બેઠકો પર નવા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે.