દોંગા, મેરજા, જોષી, બાવળીયા, મોઢવાડીયા, દુધાત અને વરાછાને રિપીટ કરાયા
કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જાહેર કરેલાં ૭૭ ઉમેદવારોમાં ગત ૨૦૧૨માં યોજાયેલી ચૂંટણીમાં હારેલાં ૮ ધારાસભ્યો અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં હારેલાં પાંચ સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે.
અલબત્ત, આ ઉમેદવારોમાં લીંબડી બેઠક માટે જાહેર કરેલાં સોમાભાઈ કોળી પટેલ ગત વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક જીત્યા હતા પરંતુ ત્યારબાદ લોકસભાની ચૂંટણી હારી ગયા હતા. એવી જ રીતે જસદણની બેઠકના ઉમેદવાર કુંવરજી બાવળિયા ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી બોટાદ બેઠક પરથી જ્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી રાજકોટ બેઠક પરથી હારી ગયા હતા. આમછતાં આ વખતે તેમને જસદણની બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં સતત બે વાર અને ૨૦ હજારથી વધુ મતથી હારેલાં દાવેદારોના નામ પર ચોકડી મારવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયનો અમલ ઉમેદવારોની પસંદગી વખતે ધ્યાનમાં લેવાશે કે નહીં તે અંગે શંકા-કુશંકા વ્યક્ત થતી હતી, પરંતુ ૭૭ ઉમેદવારોની પ્રથમ યાદીમાં આ ધોરણોનું પાલન કરવામાં આવ્યું હોવાનું જણાય છે.
બીજીતરફ ગત ચૂંટણીમાં હારેલાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિતના નજીવા તફાવતથી હારેલાં કેટલાક ધારાસભ્યો પર કોંગ્રેસે આ વખતે ફરીથી વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ (દક્ષિણ) બેઠક પરથી ભાજપના ગોવિંદભાઈ પટેલ સામે ચૂંટણી હારી ગયેલાં મિતુલ દોંગાને આ વખતે રાજકોટ(પૂર્વ)ની બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે કચ્છમાં અબડાસાની પેટા ચૂંટણીમાં ભાજપના છબિલભાઈ પટેલને હરાવનારા શક્તિસિંહ ગોહિલને આ વખતે કચ્છની જ માંડવી બેઠકના ઉમેદવાર બનાવી દીધા છે.
આ બેઠક પર ક્ષત્રિય સમાજના મત નિર્ણાયક છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તાલાળામાંથી કોંગ્રેસના જશુભાઈ બારડ જીત્યા હતા, પરંતુ તેમનું અવસાન થતાં આ બેઠકની પેટાચૂંટણીમાં જશુભાઈના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય ભગવાનભાઈ બારડને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા. જો કે, આ પેટાચૂંટણીમાં ભાજપે પૂર્વ ધારાસભ્ય ગોવીંદભાઈ પરમારને ઉતારીને કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી