ગાંધી આશ્રમથી કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રા યોજી વિરોધ નોંધાવ્યો

 

ભાજપ સરકારની ગુનાહિત લાપરવાહીના વિરોધ આજે કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક રેલી-કુચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગાંધી આશ્રમ (સાબરમતી)થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રા યોજાશે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઐતિહાસિક 4000 કિ.મી.ની ‘ભારત જોડો’ પદયાત્રા પૂર્ણ કરી છે અને એ જ કડીના ભાગરૂપે હાથ સે હાથ જોડો-પદયાત્રા દ્વારા ગુજરાતના અને દેશના પ્રાણ પ્રશ્ર્નોને વાચા આપવા સમગ્ર ગુજરાતમાં આયોજન કરાયું છે.

રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. હાલમાં જ જુનિયર કલાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયેલ છે. જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા. રાજ્યની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્ર્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક બોલતો પુરાવો છે.

હંમેશની જેમ રાજ્યની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવાની નેમ સાથે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહ્યો છે. આ સંજોગોમાં રાજ્યની ભાજપ સરકારના વારંવાર પેપરલીંકના અત્યંત ગંભીર અને ગુનાહિત કારનામા સામે વિરોધ વ્યકત કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડા, ધારાસભ્ય પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આજે ગાંધી આશ્રમ, સાબરમતીથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ સુધી પ્રતિકાત્મક રેલી-કૂચ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.