કોંગી કાર્યકરોનો સરકાર સામે નારા લગાવી વિરોધ
રાહુલ ગાંધી, જામનગર:
એક તરફ રાજ્યમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા અલગ-અલગ દિવસ રૂપે અલગ-અલગ ઉજવણી કરવામાં આવી રહી છે. પક્ષ ઉજવણી કરી રહ્યો છે તો સામે વિપક્ષ વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે જામનગરમાં આજે સતત આઠમાં દિવસે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં રૂપાણી સરકારના 5 વર્ષ પુરા થવાની ઉજવણી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. શહેરના લાલબંગલા સર્કલ ખાતે કોંગ્રેસ પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જન જન અધિકાર અભિયાન અંતર્ગત આજરોજ લાલ બંગલા સર્કલ ખાતે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વેરાની પઠાણી ઉઘરાણી બંધ કરો તેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૂત્રો અને બેનરો સાથે સરકાર સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.
આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોએ મુખ્ય રોડ પર સરકારના વિરોધના સ્લોગન વાળા પોસ્ટર સાથે સરકાર સામે નારા લગાવ્યા હતાં. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ કુંભાવાડીરયા, તથા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ઈસ્માઈલભાઈ ખીરા , શહેર અને જિલ્લા કોંગ્રેસ આગેવાનો અને મહિલા કોંગ્રેસના સહારાબેન મકવાણા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.