ઠેર-ઠેર વ્યાપક સૂત્રોચ્ચાર:કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયત
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરો ખાતે ધરણા પ્રદર્શન યોજાયા હતા. રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શનમાં કેન્દ્ર સરકારના કિન્નાખોરી ભરેલા પગલા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર થયો હતો.
જેમાં કોંગ્રેસ કાર્યકરો – આગેવાનોની ઠેરઠેર અટકાયત કરાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સતત જનતાના અવાજ ઉઠાવતા કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીજીના સત્યથી મોદી સરકાર ડરી ગઈ છે. સત્યને દબાવી શકાતુ નથી, ઝુકાવી શકાતુ નથી. ભાજપની કિન્નાખોરીની રાજનીતિથી લોકતંત્ર માટે ખતરો ઉભો થયો છે. કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપ સરકારના હથકંડાઓથી કોંગ્રેસ પક્ષ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, તે ફક્ત સત્યના રસ્તે ચાલી ભાજપના તમામ પ્રયાસોને વિફળ કરશે.
દેશમાં આજે જ્યારે રૂપિયો તળીયે છે, બેંકનું ખાનગીકરણ થઈ રહ્યું છે, એલ.આઈ.સી. જેવી સંસ્થાઓ વેચાઈ જવાને આરે છે દેશમાં પેટ્રોલ – ડીઝલ, ગેસના ભાવ આસમાને છે. દેશની જનતા લુંટાઈ રહી છે. મોઘવારીએ માઝા મુકી છે. દેશમાં હાલ તમામ ક્ષેત્રની મિલકતો વેચવા પેટ્રોલ એલઆઈસી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા પાયાના ઉદ્યોગોને લગતા કાર્યોને પોતાના માનિતા લોકોને ખુબ જ સસ્તા ભાવે આપી દેવાનું કામ આ ભ્રષ્ટાચારી વર્તમાન સરકાર કરી રહી છે. અર્થતંત્રને ખતમ કરનારી છે. દેશમાં હાલ 60 લાખ ગૃહઉદ્યોગો બંધ થયા છે.
જેની અસરથી કરોડો લોકો બેરોજગાર થયા છે. સરકારની માનસિકતા એવી છે કે કોઈએ સરકાર સામે અવાજ ઉઠાવવો નહીં, કોઈએ જોરથી બોલવાનું નહીં અને જો કોઈ અવાજ ઉઠાવે તો તેમને રાષ્ટ્ર વિરોધી ગણી તેઓનો અવાજ દબાવવાનું કામ આ વર્તમાન સરકાર કરી રહ્યાં છે. ભાજપની સરકારે સત્તાનો દુરુપયોગની તમામ મર્યાદાઓ તોડી નાખી છે. અંગ્રેજો જેવુ અભિમાન, જોર, જુલમ જેવુ વર્તન દેશના લોકોના અધિકારોનું હનન કરતી આ વર્તમાન સરકાર કરી રહી છે. ગાંધીજીએ અહિંસક આંદોલન કરી અંગ્રેજોથી દેશને આઝાદ કર્યા હતા, આજ અંગ્રેજોની નીતિ વર્તમાન સરકાર અપનાવી રહી છે.
અમદાવાદ ખાતે સારંગપુર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયેલ ધરણા પ્રદર્શનમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ધારાસભ્યો હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીરવ બક્ષી, કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ બિમલ શાહ, મહામંત્રી ઈકબાલ શેખ, ઉમાકાંત માંકડ, જગત શુકલ, ચૂંટાયેલા કાઉન્સીલરશ્રીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો – આગેવાનો જોડાયા હતા અને કેન્દ્રની મોદી સરકારની કિન્નાખોરી સામે ઉગ્ર આક્રોશ – સૂત્રોચ્ચાર કર્યા હતા.