રેલી, ભાજપ વિરોધના સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: ભાવ વધારો પાછો ખેંચવા માંગ
કોરોના મહામારીને કારણે બે માસ સુધી લોકડાઉન જાહેર કરાયું હતું. જેના કારણે ધંધા-રોજગાર ઉપર માઠી અસર પહોંચી છે. ત્યારે સરકારે મંદીના માહોલમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂપિયા સાતથી આઠનો વધારો ઝીક્યો છે.
આ મામલે લોકહિતમાં સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના ભાવ વધારાને પાછો ખેંચી લેવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે. આ બાબતે ઠેર-ઠેર મામલતદાર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. જેની સંક્ષિપ્ત માહિતી અહીં પ્રસ્તુત છે.
પોરબંદર
પોરબંદરમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઈને કોંગ્રેસે બળદગાડાની રેલી કાઢીને સુત્રોચ્ચારો કર્યા હતા. જો કે પોલીસે કોંગ્રેસના આગેવાન સહિત પંદર જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ બળદગાડા સાથે કમલાબાગ થી એક રેલી કાઢી હતી અને ભા.જ.પ. સરકાર વિરૂદ્ઘ સુત્રોચ્ચારો કર્યાં હતા. કોંગ્રેસના આગેવાનો બળદગાડા લઈને કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચે તે પહેલા જ નરસંગ ટેકરી પોલીસે કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા સહિતના પંદર જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
વિસાવદર
વિસાવદરમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલ તથા રાંધણ ગેસનો ભાવ વધારો પાછો ખેંચવા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. જેમાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડદોરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ જોશી, જિલ્લા પંચાયતના માજી સદસ્ય કિર્તીભાઈ કામદાર, તાલુકા પંચાયતના પ્રમુખ વિપુલભાઈ કાવાણી, નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ રીબડીયા, ઈલુભાઈ મોદવી, પિરૂભાઈ પઠાણ, તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમેન અશ્ર્વીનભાઈ નિમાવત વગેરે દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ઉદ્દેશીને એક આવેદનપત્ર મામલતદારને આપવામાં આવેલ હતું.
જસદણ
જસદણમાં કોંગ્રેસ સમિતિના સભ્યોએ પેટ્રોલ-ડિઝલ અને શિક્ષણના પ્રશ્ર્નો અંગે એક આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકારની નીતિ-રીતિ અંગે વિરોધ દર્શાવ્યો હતો. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, લાંબા સમયથી પેટ્રોલ-ડિઝલમાં સતત ભાવ વધારાથી દેશમાં મોંઘવારી વધતી જાય છે. આ ઉપરાંત ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ પાસે ફી ભરવાની સતત માંગણી ન ભરે તો કાઢી મુકવાની ધમકી આપવામાં આવે છે અને કમરતોડ વીજબીલ પ્રજાને પકડાવી દીધા છે. આવી અનેક પ્રકારની ત્રુટીને લઈ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને આ પ્રશ્ર્નનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી આવેદનપત્રમાં દર્શાવી હતી.
બાંટવા
બાંટવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ તથા ઉપપ્રમુખ નારણભાઇ મેધાભાઇ ચૌહાણ તથા મહામંત્રી વિરેન્દ્રસિંહ બી.ચાવડા દ્વારા સતત વધતી જતી મોંઘવારી તથા રાંધણગેસ, પેટ્રોલ તથા ડીઝલના ભાવોને અંકુશમાં લેવા માટે ચિફ ઓફીસર બાંટવા નગરપાલિકા મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં રાંધણગેસ પેટ્રોલ, ડીઝલ તથા અન્ય ચિજવસ્તુઓના ભાવો સરકારના વધતા ટેક્ષોના લીધે દિવસે દિવસે સતત વધી રહ્યા છે
જેથી ગરીબ અને મધ્યમવર્ગીય જનતા પર આવી સ્થિતિમાં પડ્યા પર પાટા સમાન હોય જેથી આવી જનતા વતી સરકારને વિનંતી કરવામાં આવી છે કે હાલ પુરતા સરકારી ટેક્ષો નાબુદ કરી રાહતરૂપે દરેક ગરીબ અને મધ્યમવર્ગીય લોકોનાં બેંક ખાતામાં દર મહિને દશ હજાર જમા કરાવી તથા અતી ગરીબો ને ઓગસ્ટ મહિના સુધી રાંધણગેસના સિલિન્ડર મફત આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવેલ છે.