કોંગ્રેસના ચાલીસ કાર્યકરોની અટકાયત કરતી પોલીસ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ ભાવ વધારો થતા જામનગરમાં કોંગ્રેસ દ્વારા આજે થાળી વગાડી સરકારની ઊંઘ ઊડાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જો કે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ચાલીસેક કાર્યકરોની અટકાયત કરી હતી.
લોકડાઉનમાં બેહાલ થયેલી જનતાને દાઝ્યા પર ડામ આપતી હોય તેમ કેન્દ્ર સરકાર રોજીંદા પ૦ પૈસા જેવો ભાવવધારો પેટ્રોલ-ડીઝલમાં કરી રહી છે. તેમાં રાજ્ય સરકારે પણ લીટરે બે રૃપિયા જેવો ભાવવધારો ઝીંકી દેતા પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે રાજ્યના તમામ જિલ્લા મથકો પર વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા આ ભાવવધારા સામે પ્રચંડ વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ કોંગ્રેસના આદેશથી આયોજીત આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક કોર્પોરેટરો સહિતના આગેવાનોની ગેરહાજરી જોવા મળી હતી. આમ કોંગ્રેસનો જુથવાદ નજરે ચઢ્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવોમાં છેલ્લા દસેક દિવસથી સતત વધારો કરવામાં આવી રહ્યો છે. પરિણામે મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે ત્યારે આ અતિ મહત્ત્વના પ્રશ્ને વાચા આપવા તથા સરકારની ઊંઘ ઊડાડવાના ભાગ રૃપે જામનગરમાં આજે કોંગ્રેસ દ્વારા થાળી વગાડી વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના અનુસંધાને આજે સવારે લાલબંગલા સર્કલમાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો એકત્ર થયા હતાં અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
આ સમયે હાજર પોલીસે તરત જ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી હતી. જેમાં આ કાર્યક્રમમાં મહાનગર પાલિકાના વિપક્ષના નેતા અલ્તાફ ખફી, ઉપરાંત કોર્પોરેટર યુસુફ ખફી જેનબબેન ખફી, આનંદ ગોહિલ ઉપરાંત મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, તેમજ કરણસિંહ જાડેજા, દિગુભા જાડેજા, સહારાબેન મકવાણા, સંજય કાંબરિયા પ્રવિણભાઈ જેઠવા વગેરે જોડાયા હતાં. પોલીસે આશરે ૪૦ થી વધુ આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી હતી.