કલમ ૩૨૧ અન્વયે રાજય સરકારને મળેલી સત્તાની રુએ આ કેસ પાછા
૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલા સર્વણ ગણાતા પાટીદારોના આર્થિક પછાતોને અનામતનો લાભ આપવાની માંગને લઇ પાટીદારોએ અવાજ ઉપાડયો હતો. ત્યારબાદ પાટીદાર આંદોલનથી તત્કાલીન ભાજપ સરકારે નમતુ ન જોખતા રાજયભરમાં હિંસાના બનાવો પણ બન્યા હતા. જેની સીધી અસર રાજય વિધાનસભાની ચૂંટણી ઉપર પડી હતી ભાજપ માંડ માંડ પાતળી બહુમતિ મેળવી શકી હતી. જેથી આગામી લોકસભાની ચુંટણીમાં પાટીદારોને રિઝવવા ‘પાસ’ને નજીક લાવવા પાસના આગેવાનો સામેના ફોજદારી કેસો પરત ખેંચાયા છે.
અમદાવાદ સેસન્સ કોર્ટ સોમવારે પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા બે ફોજદારી કેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. રાજય સરકારે જનહિતને ઘ્યાને લઇ પાટીદારો અનામત આંદોલન વખતે થયેલા બે ફોજદારી કેસો પાછા ખેચવાનો નિર્ણય કર્યો હતો.
પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા ફોજદારી ગુનાહો પૈકીના બે ગુનાહો પાંચ પાંચ વ્યકિતઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ૨૦૧૫માં અનામત આંદોલન વખતે નોંધાયેલા કેસના આરોપીઓ સામેના બે કેસમાં સરકારે કેટલાક પાટીદાર આગેવાનો સામેના કેસ પાછા ખેંચી લીધા છે.
અમદાવાદના ઓડિશનલ સેસન જજ કે.આર. પટેલે રાજય સરકારને બાપુનગર અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ૨૦૧૫માં નોંધાયેલા બે કેસ પાછ ખેંચી લેવાની રાજય સરકારની અરજી ગ્રાહય રાખીને બન્ને કેસો બંધ કરવાની મંજુરી આપી દીધી છે. વિશાળ જનહિતને લઇને કલમ ૩૨૧ અન્વયે રાજય સરકારને મળેલી સત્તાની રુએ આ કેસ પાછા ખેંચી લેવામાં આવતા રાયોડીંગ હત્યાના કાવતરા જેવા ગંભીર આરોપોનો સામનો કરી રહેલા લોકોને મોટી રાહત મળી છે.
૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ઉમેશ પટેલ, પ્રતિક મિસ્ત્રી, રાજેશ બી. પટેલ, રાજેશ એસ. પટેલ, સંજય પટેલ, મેહુલ વઘાસીયા, સાહિતલ હિરપરા, અસ્મિતા પટેલ, અને આશાબેન પટેલ સામે ૨૦૧૫માં રાયોડીંગ અને કાયદા વિરોધી પ્રવૃતિ અને ગેરકાયદે મંડળી રચી તોફાન કરવાના કેસ નોંધાયા હતા. આ બન્ને કેસ બંધ કરાવવા માટે ગુજરાત સરકારે કરેલી અરજી કોર્ટે ગ્રાહય રાખી છે.
રાજય સરકારે જનહિતને ઘ્યાને લઇ પાટીદાર આગેવાનો સામેના કેસ બંધ કરવાની માંગણી સેસન્સ કોર્ટે સ્વીકાર કરીને બાપુનગર અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન નોંધાયેલા કુેસ સ્થગિત કરી દીધા છે.