કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવનાં ગુજરાતમાં ધામા રાહુલ ખેડુત રેલી પણ યોજે તેવી શકયતા
લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબકકામાં ગુજરાતની ૨૬ બેઠકો માટે મતદાન યોજાવાનું છે જેના આડે હવે ૧૪ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે જુનાગઢમાં ચુંટણીસભા સંબોધવા માટે આવી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આગામી ૧૫મી એપ્રીલના રોજ અમરેલીમાં ચુંટણીસભા સંબોધે તેવી સંભાવના જણાઈ રહી છે. રાહુલનાં ગુજરાત પ્રવાસને લઈ કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવે ગુજરાતમાં ધામા નાખ્યા છે. રાહુલ ગાંધી અમરેલીમાં ચુંટણીસભા સાથે રેલી પણ યોજે તેવી શકયતા હાલ દેખાઈ રહી છે.
વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી. ૨૦૧૯માં આવું પરીણામ ન આવે તે માટે ખુદ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના હાથમાં કમાન લઈ લીધી છે. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસને ૪ થી ૬ બેઠકો મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. આવામાં આગામી ૧૫મી એપ્રીલથી ખુદ રાહુલ ગાંધી ગુજરાતમાં ચુંટણી પ્રચાર કરશે અને સૌપ્રથમ સૌરાષ્ટ્રના અમરેલીમાં ચુંટણીસભાને સંબોધશે. અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ગુજરાતના વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટકકર હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
ત્યારે અમરેલી બેઠક પર કોંગ્રેસ તરફી પરીણામ આવે તે માટે ખુદ રાહુલ ગાંધી અહીં ચુંટણીસભા સંબોધવાના છે. ગુજરાતમાં લોકસભાની ચુંટણીમાં પાક વીમાનો પ્રશ્ર્ન અસરકર્તા બને તેવી પણ સંભાવના જણાઈ રહી હોય રાહુલ ગાંધી ગુજરાતમાં ખેડુત રેલી પણ યોજે તેવી શકયતા હાલ દેખાઈ રહી છે. આગામી સપ્તાહથી ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં ચુંટણીપ્રચાર માટે સ્ટાર પ્રચારકોની ફૌજ મેદાનમાં ઉતારે તેવું લાગી રહ્યું છે.