કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ત્રિકોણબાગ ખાતે ધરણા પર બેઠેલા કોંગ્રેસના ૧૭ આગેવાનોની અટકાયત
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂતોનું અહિત થાય તેવા ત્રણ કાળા કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. ખેડૂત વિરોધી કાળા કાયદાઓ સામે દેશભરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ કાળા કાયદાના વિરોધમાં આજે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય મહામંત્રી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની આગેવાનીમાં યોજાયેલા ધરણા કાર્યક્રમમાં પોલીસ દ્વારા ૧૭ કોંગી આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી.
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ ખેડૂત વિરોધી કાયદા સામે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્ર વ્યાપી વિરોધ પ્રદર્શન શ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે સવારે ત્રિકોણબાગ ચોક ખાતે ઢેબરભાઈની પ્રતિમા પાસે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની આગેવાનીમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમીતી દ્વારા સવારે ૧૦ થી બપોરના ૪ વાગ્યા સુધી ધરણા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જો કે ગણતરીની કલાકોમાં જ પોલીસ વિલન બની ત્રાટકી હોય તેમ શહેર કોંગ્રેસ સમીતીના પ્રમુખ અશોકભાઈ ડાંગર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, ઉપરાંત પ્રદેશભાઈ ત્રિવેદી, મહેન્દ્રસિંહ જાડેજા, વિરાભાઈ ભટ્ટ, ભુપતસિંહ ઝાલા, અલ્પેશભાઈ ટોપીરડા, ભાવેશભાઈ ભાષા, હિતેષભાઈ પાંભર, દાનાભાઈ હુંબલ, મહેન્દ્રભાઈ શ્રીમાળી, લાખાભાઈ પરમાર, સોમાભાઈ મકવાણા, રવિભાઈ પરમાર, વાસવીબેન સોલંકી અને બિલ્કીશબેન લાખા સહિત ૧૭ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી.