છ મંત્રીઓ સહિત ૨૨ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાથી મધ્યપ્રદેશની સરકાર લઘુમતિમાં : ધારાસભ્યોના રાજીનામાના સ્વીકાર મુદ્દે સ્પીકરની ભૂમિકા હવે મહત્ત્વપૂર્ણ
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસમાં દાયકાઓથી પ્રબળ જુથબંધી પ્રવર્તી રહી છે. આ જુથબંધીને લઈ હાઈકમાન્ડનો કબજો કરીને બેઠેલા કહેવાતા પીઢ નેતાઓ પાર્ટીમાં નવી નેતાગીરીને આગળ આવવા દેતા નથી. જેના કારણે કોંગ્રેસ પક્ષ તેના જીહજુરીયા નેતાઓનાં પાપના ભારના કારણે સમયાંતરે તૂટતી રહે છે. દોઢ વર્ષ પહેલા યોજાયેલી મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મતદારોએ ભાજપના વિકલ્પે કોંગ્રેસને સત્તા આપી હતી. પરંતુ આ સત્તાને પચાવવામા કોંગ્રેસના નેતાઓ નિષ્ફળ રહ્યા હોય તેમ પાર્ટીના આગેવાનો, મંત્રીઓ અને ધારાસભ્યોને સાંભળવામાં ગયા હતા જેથી મધ્યપ્રદેશનાં દિગ્ગજ યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીનાં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ કમલનાથ સરકારના છ મંત્રીઓ સહિત કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ ગઈકાલે પોતાના રાજીનામા આપી દીધા હતા જેથી કમલનાથ સરકાર પર સંકટ ઉભુ થયું છે. આમ પોતાના ધારાસભ્યોને ન સાંભળીને તેમને ‘અનાથ’ બનાવી દેનારા કોંગ્રેસ પક્ષ પર આ ‘અનાથો’ ભારે પડયા હોય તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.આઝાદી બાદ પણ મધ્યપ્રદેશના રાજકારણમાં હંમેશા રાજકુટુંબોનો દબદબો રહ્યો છે. ગ્વાલિયરના રાજમાતા વિજયારાજે સિંધિયાએ એકલે હાથે નવી બનેલી રાજકીય પાર્ટી જનસંઘને ૧૯૭૧માં મધ્યપ્રદેશની લોકસભાની ત્રણ બેઠકો અપાવી હતી.
જેમાં વિજયારાજેના પુત્ર માધવરાય સિંધિયા ૨૬ વર્ષની વયે જનસંઘમાંથી ગુના બેઠક પર ચૂંટાઈ આવ્યા હતા. જેના કારણે વિજયારાજેની ગણતરી જનસંઘ બાદ ભાજપના સ્થાપકોમાંના એક તરીકે થતી હતી બાદ પોતાનીમાતા સાથે વિવાદ થતા માધવરાવ કોંગ્રેસમાં જોડાયા હતા અને ગુના બેઠક પરથી સતત ચૂંટાતા આવ્યા હતા કોંગ્રેસ તેમનો કેન્દ્રીય મંત્રી મંડળમાં પણ સમાવેશ કર્યો હતો. ૨૦૦૧માં માધવરાવના વિમાન દુર્ઘટનામાં અવસાન બાદ તેમના પુત્ર જયોતિરાદિત્ય સિંધિયાએ તેમનો રાજકીય વારસો સંભાળીને ગુના બેઠકની વર્ષ ૨૦૦૨ ની પેટાચૂંટણીમાં ૪.૫ લાખ મતોની વિજય મેળવ્યો હતો. ત્યારથી જયોતિરાદિત્ય સિંધિયાની ગણના કોંગ્રેસના યુવા અને વિચારરીત નેતામાં થતી હતી.
મધ્યપ્રદેશમાં દોઢ વર્ષ પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિકલ્પે કોંગ્રેસ પક્ષને પાતળી બહુમતી મળી હતી.કોંગ્રેસ પક્ષે અપક્ષો અને બસપા, સપાના ધારાસભ્યોના ટેકાથી સરકાર બનાવી હતી. મધ્યપ્રદેશમાં સરકાર બનાવતા સમયે જયોતિરાદિત્ય સિંધિયા મુખ્યમંત્રીપદના એક દાવેદાર મનાતા હતા. પરંતુ કોંગ્રેસમાં કબજો કરીને બેઠેલા કહેવાતા પીઢ નેતાઓએ તેમને સાઈડલાઈન કરીને પોતાના વિશ્ર્વાસુ એવા કમલનાથને મુખ્યમંત્રી બનાવી દીધા હતા. જે સમયે જયોતિરાદિત્યને કેન્દ્રમાં યુપીએની સરકાર બને તો તેમાં મંત્રીપદ આપવાની વાત થઈ હતી તેમના સમર્થ એવા ૨૩માંથી છ ધારાસભ્યોને મધ્યપ્રદેશની કમલનાથ સરકારમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં દેશભરમાં ફરી વળેલી મોદી સુનામીમાં જયોતિરાદિત્ય સિંધિયા પર ઉત્તર પ્રદેશમાં પાર્ટીને જીતાડવાની વધારાની જવાબદારી નાખી દેવાતા તેઓ પોતાની પરંપરાગત ગુના બેઠક પરથી ભાજપના ક્રિશ્ર્નાપાલ સીંગ યાદવ સામે હારી ગયા હતા તેમને હરાવવા પાછળ કમલનાથ જુથનો હાથ હોવાના આક્ષેપો પણ ઉઠવા પામ્યા હતા.
આગામી ૨૬મી માર્ચે યોજાનારી રાજયસભાની માટેની ચૂંટણીમાં મધ્યપ્રદેશની ચાર બેઠકોમાંથી એક બેઠક જયોતિરાદિત્ય સિંધિયાને આપવાની માંગ ઉઠવા પામી હતી પરંતુ. મુખ્યમંત્રી કમલનાથે તેમાં રોળા નાખ્યા હતા. ઉપરાંત, કમલનાથ સરકારમાં રહેલા સિંધિયા સમર્થક મંત્રીઓ અને ધારાસભ્યોની સતત અવગણના કરવામાં આવતી હતી. આ જુથબંધીથી કંટાળીને જયોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીને મળીને પોતાની વ્યર્થા રજૂ કરવા મુલાકાતનો સમય માંગ્યો હતો. પરંતુ કોંગ્રેસના ગાંધી પરિવારનો કબજો કરીને બેઠેલા પીઢ નેતાઓએ જયોતિરાદિત્ય મહિનાઓ સુધી મુલાકાત માટે લટકાવી રાખ્યા હતા જેથી આખરે કંટાળીને જયોતિરાદિત્યએ પરમદિવસે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર પાઠવીનેતેમાં પોતાની વ્યર્થા ઠાલવીને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુયં આપી દીધું હતુ.
જયોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સરકારમાં હોવા છતાં પોતાની અવગણનાથી વ્યથિત એવા છ મંત્રીઓ અને ૨૨ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ફટાફટ રાજીનામું આપી દીધા હતા. આ રાજીનામાના કારણે ૨૩૦ સભ્યોવાળી મધ્યપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષની સભ્ય સંખ્યા ૯૮ થઈ જવા પામી છે. જયારે ભાજપ પાસે ૧૦૭ ધારાસભ્યો હોય કમલનાથ લઘુમતીમાં આવી જવા પામી છે. ધારાસભ્યપદેથી રાજીનામા આપનારા ધારાસભ્યોના સ્વીકારવાના મુદે હવે સ્પીકર એન.પી. પ્રજાપતિની ભૂમિકા મહત્વપૂર્ણ મનાય રહી છે. જો કે, સ્પીકરે પ્રજાપતિએ કાયદાકીય સલાહ લીધા બાદ પોતાનો નિર્ણય જાહેર કરવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતુ ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા કોંગ્રેસી ધારાસભ્યોને હાલમાં બેંગ્લુ રાખવામાં આવ્યાનું બહાર આવવા પામ્યું છે. આ નારાજ ધારાસભ્યોને મનાવવા કમલનાથે પોતાના વિશ્ર્વાસુ મંત્રીઓ તથા આગેવાનોને બેંગ્લુ દોડાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
- સિંધિયાના ‘વફાદાર’ ધારાસભ્યોને મનાવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી
કોંગ્રેસમાં થતી પોતાની અવગણનાથી નારાજ જયોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા મધ્યપ્રદેશમાં રાજકીય હલચલ તેજ બની જવા પામી હતી. સિંધિયાના રાજીનામા બાદ તેમના વફાદાર એવા છ મંત્રીઓ સહિત ૨૨ કોંગ્રેસી ધારાસભ્યોએ પણ ધારાસભ્યપદેથી ધડાધડ રાજીનામા આપી દીધા હતા. સિંધિયાને વફાદાર એવા આ ધારાસભ્યો બેંગ્લુના રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ નારાજ ધારાસભ્યોનો સંપર્ક કરીને તેમને રાજીનામા પાછા ખેંચી લેવાના કોંગ્રેસના અત્યાર સુધીનાં તમામ પ્રયાસો નિષ્ફળ રહેવા પામ્યા છે. જેથી ૨૩૦ સભ્યોવાળી મધ્યપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસની સભ્ય સંખ્યા ૯૨એ પહોચી જવા પામી છે. બે સભ્યોના અવસાનથી ખાલી પડેલી બેઠકોનાં કારણે હાલ વિધાનસભામાં બહુમત માટે ૧૦૩ સભ્યોની જરીયાત છે. જ સામે ભાજપને ૧૦૭ ધારાસભ્યો હોય આગામી દિવસોમાં મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન નિશ્ર્ચિત મનાય રહ્યું છે.
- રાજકીય સંકટ ટળી જશે, મારી સરકાર પાંચ વર્ષ પૂરા કરશે : કમલનાથ
છ મંત્રીઓ સહિત કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ રાજીનામુ આપી દેતા મધ્યપ્રદેશની ૧૫ માસ જુની કમલનાથ સરકાર પર સંકટ ઉભુ થવા પામ્યું છે. આ ઘટના ક્રમ બાદ કમલનાથે ગઈકાલે રાત્રે પોતાના નિવાસ સ્થાને પોતાના સમર્થક ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી. જેમાં ૯૮ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં કોંગ્રેસના ૯૨ ઉપરાંત છ ધારાસભ્યો અપક્ષ, સપા અને બસપાના છે. જોકે, વિધાનસભામાં હાલની સ્થિતિએ બહુમત માટે ૧૦૩ ધારાસભ્યોની જરીયાત હોય કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઈ હોવાનું સ્પષ્ટ થવા પામ્યું હતુ. આ બેઠકમાં મુખ્યમંત્રી કમલનાથે પોતાની સરકાર પર આવેલા રાજકીય સંકટ માટે ભાજપને જવાબદાર ઠેરવીને તેઓએ આ સ્થિતિ સામે લડીલઈને આ સંકટને ટાળી દેશે તેમ જણાવ્યું હતુ. કમલનાથે તેમની સરકાર પાંચ વર્ષ પૂરા કરશે તેવો દાવો પણ કર્યો હતો.
- ભાજપે પોતાના ધારાસભ્યોને ‘સલામત’ સ્થાન દિલ્હી ખસેડયા
પોતાના ધારાસભ્યોના રાજીનામા બાદ કમલનાથ સરકાર લઘુમતીમાં આવી જવા પામી છે. ગઈકાલ રાત્રે મુખ્યમંત્રી કમલનાથ યોજેલી બેઠકમાં ૯૮ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમુક કોંગ્રેસી આગેવાનોએ કમલનાથનો રાજકીય દાવ હજુ બાકી છે. તેવો દાવો કર્યો હતો. જેથી સરકાર બચાવવા કમલનાથ ભાજપના ધારાસભ્યોને તોડે તેવી સ્થિતિ ને જોતા ભાજપે પોતાના તમામ ૧૦૭ ધારાસભ્યોને સલામત સ્થાન દિલ્હીમાં ખસેડયા છે. ભાજપ ધારાસભ્યોને ખાસ ચાર્ટર પ્લેન દ્વારા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજય વર્ગીયની આગેવાનીમાં ભોપાલથી દિલ્હી લવાયા હતા જયારે કોંગ્રેસે પણ પોતાના બચેલા ધારાસભ્યોમાંથી કોઈ તુટી ન જાય તે માટે તેમને ભોપાલથી સલામત સ્થળ એવા જયપૂરમાં ખસેડવાનો નિર્ણય કર્યો છે. જેથી બંને પક્ષોને હજુ પોતાના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવી રહ્યાનું સ્પષ્ટ થઈ જવા પામ્યું છે.
- નારાજ ભાણીયાઓ ‘મામા’ના ખોળે?
કોંગ્રેસમાં પ્રવર્તી રહેલી જુથબંધીથી કંટાળીને જયોતિરાદિત્ય સિંધિયા બાદ તેમના વફાદાર એવા ૨૨ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. આ રાજીનામાના પગલે મધ્યપ્રદેશ વિધાનસભામાં ૧૫ માસ જૂની કમલનાથ સરકાર લઘૂમતિમાં આવી જવા પામી છે. ભાજપ પાસે હાલની સ્થિતિમાં બહુમતી માટે જરી એવી ૧૦૩ સભ્ય સંખ્યા કરતા ચાર ધારાસભ્યો વધારે છે. જેથી ‘મામા’ના નામે જાણીતા શિવરાજસિંહ ચૌહાણ ફરીથી આગામી મુખ્યમંત્રી બને તેવા ઉજળા સંજોગો ઉભા થવા પામ્યા છે. શિવરાજસિંહ ચૌહાણ ત્રણ વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કાર્ય કરી ચૂકયા છે. શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના તમામ વર્ગોના મતદારોમાં સર્વસ્વીકૃત મનાતા પાયાના નેતા હોય અને તેમને મુખ્યમંત્રી પદે કાર્ય કરવાનો બહોળો અનુભવ હોય સરકાર બનાવવાની સ્થિતિમાં ભાજપ તેમને મુખ્યમંત્રી બનાવશે તેમ નિશ્ર્ચિત મનાય રહ્યું છે. જેથી, નારાજ ભાણીયાઓ ‘મામા’ના ખોળે બેસતા મામાને ફરીથી મુખ્યમંત્રી પદથી મળશે તેવા ઉજળા સંજોગો ઉભા થવા પામ્યા છે.