જિલ્લા કલેકટર કચેરીએ કોંગી આગેવાનોએ ધૂન બોલાવી: કલેકટરને આવેદન પાઠવ્યું
તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને સસ્પેન્ડ કરવા સામે રાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા કોંગી કાર્યકરોએ ધૂન બોલાવી નારેબાજી પણ કરી હતી. સાથે જિલ્લા કલેકટરને આવેદન પણ પાઠવ્યું હતું.
આવેદનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, જે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ તડીપાર થયા હોય અને જેમના નેતાઓ માનવ તસ્કરી જેવા ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા હોય તેવા ભારતીય જનતા પક્ષ માટે પ્રજા સેવા એક ધંધો બની ગયો છે. ભૂતકાળમાં બાબુ બોખીરીયા, કાંતિ અમૃતિયા, પુરુષોતમ સોલંકી જેવા ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ અને સાંસદો નારણભાઈ કાછડીયા સામે અનેક ગંભીર ગુન્હાઓમાં ગંભીર સજા જાહેર કરવામાં આવી હોવાના કિસ્સા મોજુદ છે. આમ છતાં ભાજપના ગુન્હેગાર ધારાસભ્યો અને સંસદ સભ્ય સામે ભૂતકાળમાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જયારે તેની સામે, કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સામે કોઈપણ કાર્યવાહી કરવા અંગે કોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં વિધાનસભા સ્પીકરે તેમની સ્પીકરની ગરીમાને અણછાજતા વર્તનરૂપે ગેરબંધારણીય રીતે આપખુદી મનસ્વી રીતે, તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને વિધાનસભ્ય તરીકે દૂર કરવાનો નિર્ણય કર્યો છે.
આ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ વિધાનસભા સ્પીકરના આ મનસ્વી અને આપખુદી નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. તેમજ બંધારણીય અને લોકશાહી મુલ્યોની રાજયમાં પુન: સ્થાપનાની ઉગ્ર માંગણી કરે છે.
આવેદન આપતી વેળાએ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની આગેવાનીમાં મહેશભાઈ રાજપૂત વશરામભાઈ સાગઠીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઈ ત્રિવેદી, દિનેશભાઈ મકવાણા,રાજદીપસિંહ જાડેજા, દિનેશભાઈ ચોવટિયા, ઉર્વશીબેન પટેલ, મનીષાબા વાળા,
નરેશભાઈ સાગઠીયા, મયુરસિંહ પરમાર, યુનુસભાઈ ઝુનેજા, ભરતસિંહ જાડેજા, મુકુંદભાઈ ટાંક, નીલેશભાઈ મારું, જાગૃતિબેન ડાંગર, હારૂનભાઈ ડાકોરા, રસીલાબેન સુરેશભાઈ ગરૈયા, રેખાબેન ગજેરા, રવજીભાઈ ખીમસુરીયા, વલ્લભભાઈ પરસાણા, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, ઉર્વશીબા જાડેજા, સુરેશભાઈ બથવાર, કલ્પેશભાઇ પીપળીયા સહિતના મોટી સંખ્યામાં કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.