પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ લાવી જનતાને રાહત આપવા માંગ: કલેકટરને આપ્યું આવેદન
વડોદરામાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની હેઠળ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં નવતર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસ આવેનોએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કરતા બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા અને પેટ્રોલીયમ પ્રધાનનું પૂતળુ બાળ્યું હતું.
સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધારાના વિરોધમાં પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ફાંસીના માચડે ચડાવીને તેમના પુતળાને સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલના ભાવે રડાવી દીધા તેવા ચહેરા પર માસ્ક પહેર્યા હતા. ગાડીના કટઆઉટ સાથે ચાલતા લઇ જઈ વિરોધ પ્રદશન કર્યું અને બાદમાં કલેકટર મારફતે રાજ્યપાલને આવેદન પત્ર આપ્યું હતું.
પોલીસ દ્વારા મિતેશ ઠાકોર, અજય સાટીયા, દેવાંગ ઠાકોર, પૂર્વેશ બોરોલે, જૈમીન ચૌહાણ, દિનેશ માછી, મીતેશ પરમારની અટકાયત કરવામાં આવી હતી. શહેર પ્ર્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, લોકડાઉનના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં તેમજ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વધારાથી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જ્યારે અભૂતપૂર્વ આરોગ્યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે, મોદી સરકાર, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તેમજ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમારીમાંથી નફાખોરી કરી રહી છે.
હાલ કોરોના કાળમાં લોક ડાઉનના લીધે ભારત દેશના લોકોની આર્થિક પરિસ્થિતી નબળી પડી ગઈ છે અને મોદી સરકારના નીતિ નિયમો આધારિત દેશમાં પેટ્રોલ ડીજલના ભાવ દરરોજ વધી રહ્યા છે. જેના લીધે પ્રજા ઉપર બે તરફા માર પડી રહ્યો છે. વધુમાં કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યા પછી ૨૦૧૪થી ૨૦૨૦માં ઓછામાં ઓછા ૧૦ વાર એક્ષચેન્જ ડ્યૂટી વધારવમાં આવી છે. જ્યાં ૨૦૧૪માં પેટ્રોલ ઉપર એક્ષ્સઈજ રૂ. ૯.૪૦ હતી તે ૨૦૨૦માં વધી રૂ. ૩૨.૯૮ થઈ છે જે ૨૫ ટકા વધી છે અને ડીજલ ઉપર એક્ષચેન્જ રૂ. ૩.૫૬ હતી તે ૨૦૨૦માં વધી રૂ. ૩૧.૮૩ થઈ છે જે ૭૯૪ ટકા વધી છે. કોંગ્રેસે પેટ્રોલ-ડિઝલને તાત્કાલિક જીએસટીમાં લાવવા અને આમ જનતાને રાહત આપવા માગણી કરી છે.