કોંગ્રેસની ગરીબો માટેની છેતરામણી જાહેરાત અંગે આકરી પ્રતિક્રિયા વ્યકત કરતા ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયા

પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ કોંગ્રેસની ગરીબો માટેની છેતરામણી જાહેરાત અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, આ દેશમાં આઝાદી પછી ૫૫ વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યુ, છેક ૧૯૭૧ થી ગરીબી હટાવોના માત્ર નારા સાથે કોંગ્રેસ દેશની પ્રજાને ગેરમાર્ગે દોરતી રહી, ત્યારે ન તો સાચા અર્થમાં ગરીબો યાદ આવ્યા કે ન કોઇ નક્કર યોજનાઓનો ગરીબી નિવારણ માટે  અમલમાં મૂકી શકી. હવે જ્યારે કોંગ્રેસને ખબર છે કે, તે ક્યારેય પુન:સત્તા ઉપર આવવાની નથી ત્યારે ગરીબોના નામે છેતરામણી જાહેરાતો કરીને વચને શું કીમ દરિદ્રતા ની સંસ્કૃત ઉક્તિને યથાર્થ ઠેરવી રહી છે. જેમાં દેશની ગરીબ તથા મધ્યમ વર્ગની પ્રજા ક્યારેય ભ્રમિત થવાની નથી.

૯૦ના દાયકામાં તત્કાલિન કોંગ્રેસના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કહ્યું હતુ કે, હું કેન્દ્રમાંથી ૧ રૂપિયો મોકલું છું તો માત્ર ૧૫ પૈસા નીચે ગરીબો સુધી પહોંચે છે. આમ, પ્રત્યેક રૂપિયે ૮૫ પૈસાનો ભ્રષ્ટાચાર કરનાર કોંગ્રેસે ગરીબોને સાચા અર્થમાં લાભ પહોંચે તેવી કોઇ યોજનાનો અમલ કર્યો નથી. યુપીએના ૧૦ વર્ષના શાસનમાં આકાશ, પાતાળ અને જમીન ઉપર ૧૦ લાખ કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કરનાર કોંગ્રેસ કયા મોઢે ગરીબોની વાત કરે છે ?

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભાજપાની કેન્દ્ર સરકારે વચેટિયાઓની સંપૂર્ણ નાબૂદી કરીને ૩૦ થી વધારીને ૪૩૩ કરતાં વધુ યોજનાઓના સીધેસીધા લાભ ગરીબોના ખાતામાં જમા થાય તે રીતે ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર દ્વારા દેશના ૪ લાખ કરોડથી વધુ નાણાં ગરીબોના હાથમાં પહોંચાડ્યા છે. વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર યોજના અાયુષ્યમાન યોજના દ્વારા ૫ લાખ રૂપિયાની સ્વાસ્થ્ય સહાય નિશુલ્ક રીતે ઉપલબ્ધ કરાવીને દેશના ૫૦ કરોડથી વધુ ગરીબ તથા મધ્યમ વર્ગના નાગરિકોને સંકટ સમયે એક મોટો સધિયારો સાચા અર્થમાં પૂરો પાડ્યો છે. ૮ કરોડ પરિવારોને શૌચાલયની સૂવિધા, ૬ કરોડ મહિલાઓને ઉજ્જવલા ગેસ યોજના દ્વારા ગેસ કનેક્શન ફાળવીને ચૂલાના ધુમાડામાંથી મુક્ત કરવાનું ભગિરથ કાર્ય હાથ ધરીને, પીએમ કિસાન યોજના દ્વારા ખેડુતોના ખાતામાં ૬ હજાર રૂપિયા સીધેસીધા ટ્રાન્ફર કરીને તથા સમગ્ર દેશમાં અન્ન સુરક્ષા યોજના લાગુ કરીને ગરીબોને ૨ રૂપિયે કિલો ઘઉં તથા ૩ રૂપિયે કિલો ચોખા ઉપલબ્ધ કરાવીને દરિદ્રનારાયણની સાચા અર્થમાં સેવા કરવાનું ઉમદા કાર્ય કર્યુ છે.

મધ્યમ વર્ગના પરિવારોને સાડા ૬ લાખ રૂપિયાની વાર્ષિક આવક સુધી એકપણ રૂપિયાના ઇન્કમટેક્ષ ભરવામાંથી મુક્તિ આપીને તથા છેલ્લા ૫ વર્ષમાં ૨.૫૦ કરોડ આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામે અર્પણ કરીને ગરીબ તથા મધ્યમ વર્ગની સાચા અર્થમાં સેવા કરી છે. ભાજપા જે કહે છે તે કરે છે સૌનો સાથ સૌનો વિકાસ એ ભાજપનું સંકલ્પ સૂત્ર હતુ, છે અને રહેવાનું છે. સત્તા વિહોણી કોંગ્રેસ ગરીબોના નામે જે કોઇ જાહેરાતો કરે તેનાથી દેશની શાણી પ્રજા  ક્યારેય ભ્રમિત થવાની નથી તેમ ભરત પંડયાએ જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.