૧૮મી એ કોંગ્રેસનો મૃત્યુઘંટ વાગી જશે

ગુજરાતમાં સત્તા હાંસલ કરવા તમામ રાજકીય પક્ષો દોટ લગાવી રહ્યા છે અને એડીચોટીનું જોર કરી રહ્યા છે. પ્રથમ તબકકાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે તો બીજા તબકકાનું મતદાન ૧૪મી ડિસેમ્બરે યોજાનાર છે. જેના પ્રચાર-પ્રસારના પડઘમ આજે સાંજથી શાંત થઈ જશે. કોંગ્રેસની કમાન રાહુલ ગાંધીએ સંભાળી લીધી છે તો ભાજપની કમાન પહેલેથી વડાપ્રધાન મોદીના હાથમાં જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણમાં જાહેરસભા સંબોધી હતી. જે દરમિયાન તેઓએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ હાર ભાળી ગઈ છે અને એટલે જ અત્યારથી હારના બહાના શોધી કાઢયા છે.

હારથી શરમાવવું ન પડે એટલે કોંગ્રેસ બ્લુટુથથી ઈવીએમ કનેકટ થયાના આક્ષેપો કરી રહી છે પરંતુ કોંગ્રેસે બ્લુટુથ બ્લુટુથ બંધ કરવું જોઈએ તે તો બ્લુ વ્હેલ ગેમમાં ફસાઈ છે. જેનો ફાઈનલ એપીસોડ ૧૮મી ડિસેમ્બરે ખબર પડી જશે. આમ કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી એન્ડ્રોઈડ મોબાઈલ ગેમ ‘બ્લુ વ્હેલ’ની ભારે બોલબાલા થઈ રહી છે. બાળકોના સ્યુસાઈડના કેસ પણ નોંધાયા છે. આ બ્લુવ્હેલ ગેમની સાથે સરખામણી કરી પી.એમ. મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. આ ઉપરાંત રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચુંટાયા છે તે મુદાને લઈને પણ પી.એમ. મોદી પ્રહારો કરવાનું ચુકયા ન હતા. પાટણના લોકોને સંબોધતા પી.એમ.એ જણાવ્યું કે, રાહુલ ગાંધી જન્મથી સોનાની ચમચીઓ વડે ખાઈથી રહ્યા છે તેઓ એ શું ગરીબી જોઈ હશે ?

જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ તેમની સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન તાકાતા કહ્યું હતું કે, પી.એમ.મોદી માત્ર ચાર-પાંચ ઉધોગકારીઓના વિકાસને જ વિકાસ ગણાવે છે તે માત્ર ચાર-પાંચ ઉધોગપતિઓ માટે જ કામ કરે છે. રાહુલ ગાંધીના આ ભાષણને પીએમ મોદીએ નકારી કાઢયુ હતું. પ્રથમ તબકકાની ચૂંટણીમાં ઈવીએમ બ્લુટુથથી કનેકટ થતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ મુકયો હતો. આ મુદાને લઈ પીએમ મોદીએ કહ્યું હતું કે, હારથી બચવા અને હારથી શરમાવવું ન પડે તે માટે કોંગ્રેસ નવા-નવા નુસખાઓ ગોતી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભામાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, ઈવીએમ મશીન સ્ટેન્ડ અલોન મશીન છે તેમાં ઈન્ટરનેટ નથી તે બ્લુટુથથી કનેકટ થઈ શકે નહીં. ભાઈઓ, બહેનો તમે જ જણાવો… ઈવીએમ બ્લુટુથથી કનેકટ થઈ શકે ખરા ? તેમ પ્રશ્ર્ન પુછી કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

જો કોંગ્રેસ પતી ગઇ હોય તો મોદી તેમના ભાષણમાં ૫૦% સમય શું કામ વેડફે છે?

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ખરાખરીનો જંગ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો રેસમાં ઉતર્યા છે તો ભાજપ-કોંગ્રેસ વિવિધ મુદાઓને લઈ એકબીજા પર આક્ષેપબાજી કરી રહી છે. પોત પોતાના ભાષણ કે રેલીઓમાં વિરોધ પક્ષ પર આક્ષેપો કે આકરા પ્રહારો કરવાનું ચુકતા નથી. ત્યારે કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમને પ્રશ્ર્ન કરતા કહ્યું છે કે અગર કોંગ્રેસ ‘પતી’ ગઈ છે તો પી.એમ. મોદી તેમના ભાષણનો ૫૦% સમય કોંગ્રેસ પાછળ કેમ વેડફે છે ?

મોદીજી તેમના ભાષણમાં માત્ર બે મિનિટ ખેડુતો અને ગુજરાતના લોકો વિશે બોલી બતાવે તેમ કહી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારોના તીર છોડયા હતા. મોદીજી ચીન અને પાકિસ્તાન વિશે જ વાતો કરે છે પરંતુ આ ચૂંટણીમાં ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ અને યુવાનોના ભવિષ્ય વિશે મોદીજી ભાષણ આપે તેમ રાહુલ ગાંધીએ વિરમગામમાં જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું.

આ ઉપરાંત, રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર આવ્યાના દસ દિવસમાં જ અમે ખેડૂતોના દેવા માફ કરીશું અને શાળા-કોલેજોમાં મર્યાદિત ફિ ધોરણો રાખીશું આ સાથે રાહુલ ગાંધીએ ફિકસ પગાર સાથે કામ કરતા લોકોની સેલેરી વધારીશું તેમ કહી વિરમગામના લોકોના મત જીતવા અડિખમ પ્રયાસ કર્યા હતા અને વિવિધ મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.