નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત: અરજદારોને ધરમધકકા
વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રચારની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા છે. મહાપાલિકામાં શાસક પક્ષ ભાજપના કાર્યાલયે આજે સવારથી તાળા લાગેલા જોવા મળ્યા હતા. તો સામાપક્ષે વિપક્ષ એવા કોંગ્રેસ કાર્યાલયે પણ ઉડે-ઉડે જેવી પરિસ્થિતિ દેખાઈ હતી. નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે અરજદારોને ધરમના ધકકા થઈ રહ્યાં છે.સામાન્ય રીતે મહાપાલિકામાં કયારેય ભાજપ કે કોંગ્રેસ કાર્યાલય બંધ રહેતું નથી. બન્ને સ્થળે કાર્યાલય મંત્રીની અચૂક હાજરી હોય છે. પરંતુ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કાર્યાલય મંત્રીઓને પણ ચૂંટણીની ફરજ સોંપી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારથી મહાપાલિકામાં ભાજપ કાર્યાલય ખાતે તાળા લાગેલા જોવા મળ્યા હતા. તો સામે પક્ષે કોંગ્રેસ કાર્યાલયે પણ કોઈ નેતા હાજર ન હતા. એક માત્ર પટ્ટાવાળા કાર્યાલય ખોલીને બેઠેલા નજરે પડતા હતા. શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણીને ભાજપે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકની ટિકિટ આપી છે તો વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા રાજકોટ ગ્રામ્યની બેઠક પરથી કોંગ્રેસનાઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલના પિતાજીને ભાજપે ધોરાજી બેઠક પરથી ટિકિટ આપી હોય આ ત્રણેય પદાધિકારીઓ હાલ ચૂંટણીનાં પ્રચારમાં અતિ વ્યસ્ત હોવાના કારણે કોર્પોરેશન કચેરીએ દેખાતા નથી.તો બીજી તરફ ડે.મેયર દર્શિતાબેન શાહ પણ પોતાના મત વિસ્તાર વોર્ડ નં.૨માં ભાજપનો ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. એક માત્ર મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય રોજ ૨ થી ૩ કલાક મહાપાલિકાના કચેરીએ આવે છે. પદાધિકારીઓ અને નગરસેવકોની ગેરહાજરીને કારણે અરજદારોએ દાખલા જેવા સામાન્ય કામ માટે પણ અનેક ધકકા ખાવા પડે છે છતાં તેઓના કામ પતતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.