મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ ઠાકોર ભાજપમાં જોડાયા
શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવ ગોરખગાવ નીલકંઠેશ્વર મહાદેવજીને બીલીપત્ર અર્પણોત્સવ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
સી.આર.પાટીલ જણાવ્યુ હતુ કે, નરેશભાઇ રાવલે એમના વિસ્તારમાં સેવા કરી છે તે આંખે ઉડીને દેખાય છે, એવું નથી કે કોંગ્રેસમાં કોઈ સેવા નથી કરતું પરંતુ ત્યાં ગૂંગળામણ થાય અને લાગે કે સેવા બંધ થઈ ગઈ છે ત્યારે જેમને ખરેખર પ્રજાની સેવા કરવાની ઈચ્છા હોય એજ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. ભણેલા ગણેલા અને વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા લોકોએ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય કર્યો ત્યારે છાતી પર પત્થર મૂકીને કર્યો હશે કારણ કે, જ્યારે ટાઈટેનિક ડૂબવાની છે અને તે પણ તેના જ નેતાઓના કારણે ડૂબવાની છે આવું નિશ્ચિત થાય ત્યારે હોશિયાર માણસ પોતાની જગ્યા શોધી લેતો હોય છે અને એટલા જ માટે તે બિનશરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે તૈયાર થયા છે તેમની સાથે શ્રી રાજુભાઇ પરમાર તેમજ માનસિંહ ઠાકોર તેમની ટિમ સાથે પ્રજાની સેવા કરવા માટે જોડાયા છે તે સૌનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
આ નેશનલાઇઝ્ડ કોંગ્રેસ પાર્ટી પ્રાદેશિક તો બની જ પરંતુ એક પરિવારની પાર્ટી બની ગઈ છે. વધુમાં કહ્યું કે, તમારા ત્યાં આવે કોઈ તો કહેજો કે બીજા દેશ દ્વારા કોઈ અડપલું થાય તો શું કરશો, ત્યારે તો માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જોઈએ તો ઈંટ નો જવાબ પત્થરથી મળે કારણ કે દેશની સુરક્ષાનો સૌથી મોટો પ્રશ્ન હોય છે. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, સાંસદ શારદાબેન પટેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સહપ્રવકતાઓ ડો.ઋત્વિજભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ, મહેસાણા જીલ્લાના પ્રભારી કૌશલ્યા કુંવરબા, પૂર્વ ગૃહમંત્રી નરેશભાઇ રાવલ, મહેસાણા જીલ્લા પ્રમુખશ્રી જશુભાઇ પટેલ, ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી સહિત પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.