- રાયબરેલી લોકસભા બેઠક પરથી રાહુલ ગાંધીના નામાંકન વેળાએ હાજરી આપવાની હોવાથી ખડગેનો રાજકોટ પ્રવાસ કેન્સલ
- સાંજે અમદાવાદ પશ્ચિમમા ચૂંટણીસભા યથાવત
- ગુજરાતનાં પ્રભારી મુકુલ વાસનિક તથા પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલે રાજકોટમાં ચૂંટણી સભા સંબોધી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાજૂન ખડગે આજે ગુજરાતનાં પ્રવાસ દરમિયાન રાજકોટ અને અમદાવાદ ખાતે ચૂંટણી સભા સંબોધવાના હતા દરમિયાન કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલી લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવાના હોય આ તકે હાજરી આપવાની હોવાથી ખડગેનો રાજકોટ પ્રવાસ રદ થયો હતો. તેઓ રાજકોટમાં ચૂંટણી સભામાં ઉપસ્થિત રહી શકયા ન હતા. અમદાવાદ ખાતે સાંજે યોજાનારી સભામાં ખડગે હાજર રહેશે. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલે રાજકોટમાં સભા સંબોધી હતી.
ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી 25 બેઠકો માટે આગામી 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. હવે પ્રચાર પસાર માટે માત્ર ત્રણ દિવસ જ હાથમાં રહ્યા છે. ત્યારે અંતિમ ચરણમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જૂન ખડગે આજે ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટ અને અમદાવાદ ખાતે ચૂંટણી સભ સંબોધવાના હતા. દરમિયાન કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના હોય આ અવસરે મલ્લીકાજૂન ખડગે હાજરી આપવાના હોવાના કારણે તેઓનો રાજકોટ પ્રવાસ આજે સવારે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હતો. જોકે કોંગ્રેસ દ્વારા રાજકોટના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં ચૂંટણી સભા યથાવત રાખવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રફુલ વાસનીક તથા પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે સભા સંબોધી હતી. ચૂંટણી સભા બાદ પત્રકાર પરિષદમાં સંબોધી હતી. જેમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જૂન ખડગેનો ગુજરાત પ્રવાસ યથાવત રાખવામાં આવ્યો છે. તેઓ સાંજે 7.30 કલાકે અમદાવાદ પ શ્ચિમ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભા ગજવશે.
મલ્લીકાર્જૂન ખડગેનો રાજકોટ પ્રવાસ છેલ્લી ઘડીએ રદ થતા કાર્યકરો અને સમર્થકોમાં નિરાશા વ્યાપી જવા પામી છે.