નદીમ જાવેદ અને રોહિત ચૌધરીને તેલંગાણાનો જ્યારે નિલાંશુ ચર્તુવેદીને ઉત્તર પ્રદેશનો હવાલો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કોંગ્રેસ ગુજરાતના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવી રહ્યું છે. તાજેતરમાં સાત કાર્યકારી પ્રમુખોની વરણી કરાયા બાદ ગઇકાલે સિનિયર ઓબ્ઝર્વર અને ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી હતી. દરમિયાન હવે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતી ઉષા નાયડુને ગુજરાતના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અલગ-અલગ બે રાજ્યોના ઇન્ચાર્જોની વરણી કરવામાં આવી છે.
રોહિત ચૌધરીને ઉત્તર પ્રદેશના ઇન્ચાર્જ તરીકેથી હટાવી દેવામાં આવ્યા છે અને તેઓને તેલંગાણાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે બાજીરાવ ખડે, શ્રીનિવાસન ક્રિષ્ણન અને જુવેદ ખાનને તાત્કાલીક અસરથી કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. ગુજરાતના ઇન્ચાર્જ તરીકે ઉષા નાયડુની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે તેલંગાણા માટે બે ઇન્ચાર્જ નિમાયા છે. જેમાં નદિમ જાવેદ અને રોહિત ચૌધરીનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશનો હવાલો નિલાંશુ ચર્તુવેદીને સુપ્રત કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ આ વખતે રાજ્યમાં સત્તારૂઢ થવા માટે ગંભીર બની છે. સંગઠન માળખાને સતત મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં પક્ષ દ્વારા ગુજરાત માટે ખાસ ખામ થિયરી અપનાવવામાં આવી છે અને અલગ-અલગ પાંચ ધારાસભ્યો સહિત સાત નેતાઓને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સિનિયર ઓબ્ઝર્વર અને ઓબ્ઝર્વરની પણ નિમણૂંક કરવામાં આવી છે. હવે ઇન્ચાર્જ પણ મૂકી દેવામાં આવ્યા છે. ટૂંક સમય કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે કેમ્પેન સમિતિની રચના કરવામાં આવે તેવી શક્યતા જણાઇ રહી છે.