કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલને ગઠબંધનની સર્વસત્તા સોંપવા પણ નિર્ણય
રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાના પણ સ્પષ્ટ સંકેતો
સંસદમાં મોદી સરકાર વિરુધ્ધ રજૂ થયેલી અવિશ્ર્વાસની દરખાસ્ત બાદ ગઈકાલે મળેલી કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાના સંકેતો આપવામાં આવ્યા છે. ત્યારે ૨૦૧૯ના સ્વયંવરમાં કોંગ્રેસના મુરતીયા એવા રાહુલ ગાંધીને સાથી પક્ષો સ્વીકારશે કે કેમ ? તેની સામે પ્રશ્ર્ના ખડા થયા છે છતાં કોંગ્રેસ દ્વારા ૧૨ રાજયોમાં કોંગ્રેસની તાકાત જોતા કમ સે કમ ૨૦૦થી વધુ બેઠક જીતવા માટે કમર કસવામાં આવી છે.
રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમીટીની યોજાયેલી બેઠકમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમીટીના નેતા અશોક ગેહલોત અને રણદીપ સુરજેવાલા પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસ દેશમાં સૌથી વધુ બેઠકો પર લડશે અને ૨૦૦થી વધુ બેઠકો જીતશે. સ્વાભાવીક રીતે જ કોંગ્રેસ શક્તિશાળી પક્ષ બનશે તો કેન્દ્રમાં કોંગ્રેસ નેતૃત્વવાળી સરકારમાં રાહુલ ગાંધી તમામ નિર્ણયો લેવા માટે હકકદાર બનશે અને કોંગ્રેસે આડકતરી રીતે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીને પ્રમોટ કર્યા છે.
જો કે, કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ કહ્યું હતું કે, કોંગ્રેસની નીતિ મુજબ વડાપ્રધાન પદના ઉમેદવારનો નિર્ણય ચૂંટાયેલા સભ્યો જ લેશે જેથી સ્પષ્ટ રીતે રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર હોવાનું કોંગ્રેસે સ્વીકાર્યું નથી. જો કે, કોંગ્રેસ નેતૃત્વવાળા ગઠબંધનમાં તમામ નિર્ણય લેવાની સત્તા રાહુલ ગાંધીને સોંપવાની વાત પણ કરવામાં આવી છે અને આ ગઠબંધનનું કેન્દ્રબિંદુ પણ કોંગ્રેસના હાથમાં જ રહેશે તેવું જણાવાયું હતું.
સીડબલ્યુસીની મહત્વપૂર્ણ બેઠકમાં ભારતની ગ્રાન્ટ ઓલ પાર્ટીએ ૨૦૧૯ની ચૂંટણી સંદર્ભે રણનીતિ બનાવી હતી જે અંતર્ગત પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસી નેતા પી.ચિદમ્બરમે ૨૦૧૯ની ચૂંટણી માટે દરખાસ્ત કરી હતી. ચિદમ્બરમે કહ્યું કે, ૧૨ રાજયોમાં કોંગ્રેસ મજબૂત છે અને જો પાર્ટી પોતાની ક્ષમતામાં હજુ પણ વધારો કરે તો ૧૫૦થી વધુ બેઠકો કોંગ્રેસ એકલા હાથે જીતી શકે તેમ છે અને ૧૫૦ બેઠકો કોંગ્રેસ સાથી પક્ષોના પ્રયાસોથી જીતી શકે તેમ છે. આમ ચિદમ્બરમે ૩૦૦ બેઠકોનો જીતનો ફોર્મ્યુલા આપ્યો હતો.
આ બેઠકમાં કોંગ્રેસના નેતા સચિન પાયલટ, શક્તિસિંહ ગોહિલ સહિતનાઓએ ગઠબંધનના કેન્દ્રમાં કોંગ્રેસ મુખ્ય રોલમાં હોય રાહુલ ગાંધીને ચહેરા બનાવવા પણ ભાર મુકયો હતો.
કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠકમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ખતરનાક શાસન અને ડરના શાસનમાં દેશને બચાવવો જરૂરી છે. મોદી સરકારનો રિવર્સ કાઉન્ટ ડાઉન શરૂ થયું હોવાનું સોનિયા ગાંધીએ જણાવી ૨૦૧૯માં સાથી પક્ષો સાથે જોડાણ માટે વ્યવહારીક અભિગમનો ઉલ્લેખ કર્યો હતો. આમ આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને મુરતીયો થતો બનાવાયો છે પરંતુ સાીપક્ષો આ મુદ્દે કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.