વિધાનસભા સત્રના અંતિમ દિવસે પણ હોબાળો
અધ્યક્ષ દ્વારા ગૃહમાં કાર્યવાહી નિયત સમય માટે મોકૂફ રાખવામાં આવી : મુખ્યમંત્રી વિરુદ્ધ પણ વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યો
અબતક, ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા ચોમાસું સત્રના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભા ગૃહમાં સતત સૂત્રોચારો અને રામધૂન બોલાવી હતી. જે બાદ અધ્યક્ષ દ્વારા ગૃહમાં કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. જો કે, ત્યારબાદ જ્યારે ફરી ગૃહની કાર્યવાહી માટે બેલ વાગતા મુખ્યમંત્રી ગૃહની અંદર પાછા આવ્યા અને પોતાની જગ્યા લીધી હતી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોના સૂત્રોચારોને જોઈને મુખ્યમંત્રી ગૃહની બહાર જતા હતા.
તે દરમિયાન ભાગ્યા રે ભાગ્યા મુખ્યમંત્રી ભાગ્યાના નારા કોંગ્રેસના ધારાસભ્યોએ લગાવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા રઘુપતી રાઘવ રાજા રામ, ભાજપ કો સદ બુદ્ધિ દે ભગવાનની રામ ધૂન બોલાવવામાં આવી હતી. કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા વેલમાં બેસીને સરકારનો વિરોધ કરી સૂત્રોચાર કરવામાં આવી રહ્યો હતો.
વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી હતી. તે દરમિયાન વિપક્ષે સવાલો ઉઠાવી સરકારને ઘેરી હતી. વિપક્ષે સ્પષ્ટ રીતે કહ્યું કે, સરકાર જે આંકડા આપી રહી તેમાં વિસંગતતા છે. કોરોનાથી થયેલા મોત મામલે સરકાર જે આંકડા આપી રહી છે તેમાં વિસંગતતા આવી રહી છે. તમામ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં જે મૃત્યુ થયા તેનો હવાલો આપતા કોંગ્રેસના ધારાસભ્યોએ આરટીઆઇ હેઠળ વિગતો માંગી હતી. તે વિગતો અને સરકારી આંકડાઓ વચ્ચે ખુબ જ મોટો ભેદભાવ જોવા મળ્યો હતો. સરકારના પોતાના જ આંકડાઓ જે જૂની સરકારે આંકડા આપ્યા હતા અને અત્યારે સરકારે કુલ મોત કહ્યા છે તેમાં વિસંગતતા હતી જેના કારણે વિપક્ષે આક્રમક થઈ સરકારને ઘેરી હતી.
પ્રશ્નોત્તરી કાળમાં સરકારના આરોગ્ય મંત્રી ચોક્કસ જવાબ આપી રહ્યા હતા. જે પાંગળો બચાવ જણાતા વિપક્ષને મોકળું મેદાન મળ્યું અને વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો. વિધાનસભા અધ્યક્ષ દ્વારા વિપક્ષને અટકાવવામાં આવ્યા હતા. તેમના સવાલ જે છે તેને અધ્યક્ષે જિલ્લા પુરતા રાખવાની વાત કરી હતી. જેના કારણે વિપક્ષના સભ્યોએ હોબાળો કર્યો અને સૂત્રોચાર કર્યા હતા. સૂત્રોચાર કર્યા બાદ પ્લે કાર્ડ દર્શાવ્યા હતા. કારણ કે અધ્યક્ષ દ્વારા તેમને બોલવાની તક આપવામાં આવી રહીં ન હતી. તેના કારણે જે પ્લે કાર્ડ દર્શાવીને જે ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા.
ત્યારબાદ આ તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગૃહની કાર્યવાહી 11 વાગે શરૂ થવાની હતી પરંતુ મુખ્યમંત્રી ગૃહમાં હાજર હોવા છતાં કાર્યવાહી શરૂ થઈ ન હતી. કારણ કે રાહ જોવાઈ રહી છે કે કોંગ્રેસના સસ્પેન્ડ ધારાસભ્યોને દૂર કરવામાં આવે. માર્શલ દ્વારા આ તમામ ધારાસભ્યોને દૂર કરવામાં આવશે. ત્યારબાદ ગૃહની કાર્યવાહી શરૂ થશે. હજુ પણ ગૃહમાં રામધૂન બોલાવી વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સતત વિપક્ષ માંગ કરી રહ્યું છે કે, કોરોનાના સાચા આંકડા સરકાર આપે અને જે મૃતકો છે તેમને 4 લાખનું વળતર મળે. આ માંગ સાથે ગઈકાલે વિપક્ષે હોબાળો કર્યો હતો અને આજે પણ વિપક્ષ દ્વારા આ મામલે હોબાળો કર્યો હતો.
નોંધનીય છે કે, આજે ત્રણ વિધેયકો પર ચર્ચા થશે. નાણાં મંત્રી દ્વારા ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક અને ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક રજૂ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સીટી વિધેયક રજૂ કરશે. ત્રણેય બિલો પ્રથમ દિવસે ચર્ચામાં ન આવી શકતા બીજા દિવસે ચર્ચા થશે.
સરકારે વર્ષ 2020-21માં SGST અને વેટથી રૂ. 64,101 કરોડની આવક કરી
કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના સરકારની આવક શુ છે તે સવાલમાં રાજ્ય સરકારે લેખિત જવાબ આપ્યો છે કે વર્ષ 2019-20માં SGSTથી રૂ.29,257 કરોડની આવક થઇ છે. જ્યારે વેટથી રૂ.20,036 કરોડ આવક થઇ છે. તો વર્ષ 2020-21માં SGSTમાં રૂ.38,645 કરોડ આવક થઇ છે. અને વેટથી રૂ.25,456 કરોડ આવક થઇ છે. આમ વર્ષ 2020-21માં SGST અને વેટથી સરકારને કુલ રૂ. 64,101 કરોડની આવક થઈ છે. તેમ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના સવાલમાં સરકારે લેખિત જવાબ રજૂ કર્યો છે.