મોરબી પોલીસ દ્વારા નાટકીય રીતે નાની સિંચાઈ તળાવ કૌભાંડ મામલે અચાનક જ હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરતાં આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય મેરજા અને કાગથરાએ આકરી પ્રતિક્રિયા આપી ધારાસભ્ય સાબરીયાને ભાજપના ઈશારે ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા હોવાનું જણાવી કહ્યું હતું કે જો ખોટી કનડગત થશે તો રાજ્યના તમામ કોંગી ધારાસભ્યો મોરબી ધસી આવી મોરચો માંડશે.
હળવદ સહિત મોરબી જિલ્લામાં આચરવામાં આવેલ તળાવ કૌભાંડ મામલે એ ડિવીઝન પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને તેમના નજીકના વકીલ ભરતભાઇ ગડેશિયાને એ ડીવીઝન પોલીસ મથકે લાવી પુછપરછ શરૂ કરતા પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે તો બીજી તરફ હળવદમાં આજે ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન હતું પરંતુ તળાવ કૌભાંડ મામલે પુછપરછ માટે ધારાસભ્ય પરસોતમ સાબરીયાની અટકાયત થતા તેમની ગેરહાજરીમાં જનસંપર્ક કાર્યાલય ખાતે મોરબી અને ટંકારાના ધારાસભ્યોએ હાજરી આપી હતી અને હળવદના ધારાસભ્યની અટકાયત મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયાને ખોટી રીતે ફસાવામાં આવ્યા છે અને જો ધારાસભ્યને મુકત નહીં કરાય તો તમામ કોંગી ધારાસભ્યો મોરબી એ ડીવીઝન મથકે ધસી જઈ વિરોધ નોંધાવશે.
આ તકે ટંકારાના ધારાસભ્ય કગથરાએ જણાવ્યું હતું કે, આજે હળવદ – ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાની રાજકીય કિન્નાખોરીથી અટકાયત કરી છે, વધુમાં હળવદ બેઠક ભારતીય જનતા પાર્ટીનો રર વર્ષ જૂનો ગઢ હતો અને ધારાસભા ચૂંટણીમાં ભાજપનું સામ્રાજય હતું ન હતું થઈ ગયું અને હળવદ, ટંકારા અને મોરબીમાં ભાજપનું સામ્રાજય જતું રહેતા ભાજપ કારમી હાર સહન ન કરી શકતા, કોંગ્રેસના ધારાસભ્યને પચાવી નથી શકતા અને જેમ માછલી પાણી વગર તરફડે તેમ ભાજપના નેતા સત્તા વગર તરફડે છે અને યેનકેન પ્રકારે સત્તા મેળવવા ફરી કોંગ્રેસના ધારાસભ્યને બદનામ કરવા ષડયંત્ર રચી રહ્યા છે.
વધુમાં રાજકીય રીતે દબાણ કરીને જે રીતે પરસોતમ સાબરીયાની ધરપકડ કરવાની કોશિષ થઈ રહી છે એની સામે અમારો ઉગ્ર વિરોધ છે, આ બનાવ મામલે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને મોરબી આવવાનું અમે પ્રયાણ કરવાનું કહીશું, કોંગી ધારાસભ્ય સામે આંગળી ચીંધવાની કોશિષ કરશે તો અમે કોંગ્રેસના ધારાસભ્યો સરકારને જડબાતોડ જવાબ આપીશું તેમ આજે હળવદ ખાતે ધારાસભ્ય કગથરાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું.
ધારાસભ્યના જનસંપર્ક કાર્યલાયના ઉદઘાટન પ્રસંગે ગુજરાત પ્રદેશ મહામંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, એક ઉજળી છબી ધરાવતા ધારાસભ્ય પરસોતમ સાબરીયાની પ્રતિભાને લાંછન લગાડવાનું જે હિન્ન કક્ષાનું કૃત્ય ભારતીય જનતા પક્ષના ઈશારે સરકાર કરી રહી છે તેનો અમે વિરોધ નોંધાવીએ છીએ. સાથો સાથ જો સરકાર પરસોતમભાઈ સામે કોઈપણ પ્રકારના પગલા ભરશે તો અમે સૌ કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો સંગઠન પાંખ અને લોકોને સાથે રાખીને સરકાર સામે ઉગ્ર લડતના મંડાણ કરીશું અને ભાજપને ભરી પીશું તેવી ઉગ્ર ચીમકી બ્રિજેશભાઈ મેરજાએ અંતમાં ઉચ્ચારી હતી.