આવું વર્તન કોરોના વોરિયર્સનું અને તેમની સેવા તથા માનવતાનું અપમાન છે: ઘટનાને વખોડતા ભાજપ પ્રવકતા
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસનાં સિધ્ધપુરનાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરનાં ટીઆરબી જવાન સામેનાં બિભત્સ વાણી-વર્તનનાં ટીવી -સોશિયલ મીડિયા પરનાં દ્રશ્યો જોઈને તમામ દર્શકોને આઘાત લાગે અને દુ:ખ થાય.
પોતાનાં જાનનાં જોખમે જે કર્મવીરો અને સેવાવ્રતીઓ પોતાની ફરજ બજાવે છે ત્યારે અભિનંદન આપવાને બદલે તેમનાં પર ગાળો વરસાવવી એ કોરોના વોરીયર્સનું અપમાન છે. સેવા અને માનવતાનું અપમાન છે. પોતાની ફરજ બજાવતાં ટીઆરબીનાં જવાન સામે કોંગ્રેસનાં ધારાસભ્યે જે રીતે ધાકધમકી, ગાળાગાળી સાથે જે બિભત્સ વાણી-વર્તન-વ્યવહાર કર્યો છે, તે અશોભનીય છે. નિંદનીય છે.
એકબાજુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી , દેશ-ગુજરાતની જનતા કોરોના વોરીયર્સને માન-સન્માન સાથે સતત બિરદાવતાં હોય, સમગ્ર મીડિયા જગત કોરોના વોરીયર્સને બિરદાવીને જનજાગૃતિ લાવવાનું કામ કરતું હોય ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય તેઓની સાથે અસભ્ય વર્તન કરીને અપમાન કરી રહ્યાં છે તે યોગ્ય નથી.
હવે કોંગ્રેસનાં નેતાઓ નિવેદનો દ્વારા કોરોના વોરીયર્સ ટીઆરબીના જવાનને પ્રોત્સાહિત કરે છે કે તેની સામે બિભત્સ વાણી- વર્તન કરનાર કોંગ્રેસનાં ધારાસભ્યની કુતર્ક દ્વારા તરફેણ કરે છે. તે જોવાનું રહ્યું.
કોંગ્રેસનાં આ પ્રકારનાં વિચારો-વ્યવહારો એ સેવા અને માનવતા માટે અવરોધરુપ છે. ભરત પંડયાએ તમામ લોકોને વિનંતી કરી હતી કે જે લોકો પોતાનાં જાનનાં જોખમે કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવે છે. તેમને અભિનંદન આપીને પ્રોત્સાહિત કરે, મહેરબાની કરીને તેમની સાથે અયોગ્ય વર્તન કરે નહીં તેવી પંડયાએ અપીલ કરી હતી.