કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શું હશે? સમિતિનું ગઠન
ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસે મુરતીયાઓની પસંદગી પ્રક્રિયા માટે સ્ક્રીનીંગ કમીટી બનાવી છે જેની બેઠક આગામી ૧૧મીને સોમવારે મળશે. ચૂંટણીમાં વફાદાર રહેનાર ૪૩ ધારાસભ્યની ટિકિટ પાકી હોવાનું જાણવા મળે છે. ઉપરાંત એકથી વધુ નામ હોય તેવી બેઠકો ઉપર સર્વસંમતિથી પેનલ બનાવીને યાદીને આખરી ઓપ આપવાનું નક્કી કરાયું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી માટે નિયુક્ત કરાયેલી સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ ચૂંટણી સમિતિની સૌ પ્રથમ બેઠક આગામી ૧૧મી સપ્ટેમ્બરે યોજાશે. આ બેઠકમાં વિધાનસભાની આગામી ચૂંટણીના ઉમેદવારોમાંથી સંભવિત ઉમેદવારોની પેનલ બનાવવાની પ્રાથમિક કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ આ નામ હાઈકમાન્ડને સુપરત કરવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી ઝડપથી કરવાની જાહેરાત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાતમાં કરી હોવાથી આ કવાયત હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં દિવાળી પછી તરત જ ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવાની શક્યતાને પગલે કોંગ્રેસે ચૂંટણીલક્ષી કામગીરી જોરશોરથી આરંભી દીધી છે. પ્રદેશના સંગઠનની સાથોસાથ પ્રદેશ સ્તરની કમિટીઓની રચના કરી દેવામાં આવી છે. જેમાં કોંગ્રેસ હાઈકમાન્ડે અત્યંત મહત્વની સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાળાસાહેબ થોરાટની અધ્યક્ષતામાં બનેલી ચાર સભ્યોની આ સમિતિમાં એઆઈસીસીના અન્ય હોદ્દેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૧ સપ્ટેમ્બરે મળનારી સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં પેનલો તૈયાર થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ અગાઉ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નિયુક્ત કરેલાં તમામ ઝોનના સહ-પ્રભારી, વિધાનસભા અને લોકસભાના નિરીક્ષકો દ્વારા કરવામાં આવેલાં ઉમેદવારો નક્કી કરવા સહિતના સરવેની કામગીરી લગભગ પૂર્ણ થવાને આરે હોવાનું જણાવતાં કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરેથી કોંગ્રેસ દ્વારા જુદા જુદા છ સરવે કરાવવામાં આવ્યા છે. જેમાં દરેક વિધાનસભા બેઠકમાં જ્ઞાતિ-જાતિ, સમાજો, કોંગ્રેસની સ્થિતિ, ગત ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ, સ્થાનિક મુદ્દાઓ, લોકોની ઉમેદવારો અંગેની પસંદગી, ચૂંટણી લડવા માગતા ઉમેદવારોની લોકોમાં છાપ વગેરે જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.