ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીના દિલ્હીમાં ધામા
ગુજરાતની લોકસભા ૨૬ બેઠકો પૈકી ૪ બેઠકો માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા અગાઉથી જ કરી દીધી છે. દરમિયાન બાકી રહેતી ૨૨ બેઠકો માટે ઉમેદવાર નકકી કરવા આજે દિલ્હીમાં કોંગ્રેસની બેઠક મળશે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી ખાસ ઉપસ્થિત રહેશે.
વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં સમ ખાવા પુરતી એક પણ બેઠક મળી ન હતી. લોકસભાની આગામી ચુંટણીમાં આવું નિરાશાજનક પરીણામ ન આવે તે માટે કોંગ્રેસે ટકોરા મારી ઉમેદવારની પસંદગી કરવાનું મન બનાવી લીધું છે. રાજયની ૨૬ પૈકી ૪ બેઠકો માટે અગાઉથી જ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.
જયારે બાકી રહેતી ૨૨ બેઠકો પર કોંગ્રેસના પ્રતિક પરથી ચુંટણી લડવા માટે એકથી વધુ દાવેદારો મેદાનમાં ઉતર્યા છે. આવામાં ઉમેદવારની પસંદગી કરવામાં કોઈ ભુલ ન થાય તે માટે કોંગ્રેસે પસંદગી પ્રક્રિયામાં ખુબ જ ગંભીરતા દાખવી છે. ગુજરાતની ૨૬ પૈકી ૨૨ બેઠકોના ઉમેદવારોના નામ નકકી કરવા આજે દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં એક બેઠક મળનાર છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહેશે.
કોંગ્રેસ ઉમેદવારો નકકી કરી લેશે પરંતુ ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ પોતાના ઉમેદવારો જાહેર કરશે. કારણકે ભાજપના ઉમેદવારને બરોબરની ફાઈટ આપી શકે અને કોંગ્રેસના જીતની શકયતા ઉભી કરી શકે તેવા ઉમેદવારને જ ટીકીટ આપવાનું મન કોંગ્રેસે બનાવી લીધું છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પર કોંગ્રેસમાં ચુંટણી લડવા એકથી વધુ દાવેદારો છે. આવામાં ઉમેદવારોની પસંદગી ખુબ જ ફુંકી ફુંકીને કરવામાં આવે તેવું મનાઈ રહ્યું છે.