વચનેસુ કીમ દરીદ્રતા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ઉપસ્થિતિમાં ‘જન ઘોષણા પત્ર-2022’ બનશે જનતાની સરકારનું લોન્ચિંગ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે આગામી 1 અને 5 ડિસેમ્બર એક બે તબક્કામાં મતદાન થવાનું છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તાવિહોણી કોંગ્રેસે આજે સવારે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં જનતા માટે છૂટ્ટા હાથે વચનોની લ્હાણી કરવામાં આવી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની વિશેષ ઉપસ્થિતિમાં ‘જન ઘોષણા પત્ર-2022’ બનશે જનતાની સરકારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
ચૂંટણી ઢંઢેરામાં ગુજરાતની જનતાની ખુશાલી માટે હવે પરિવર્તન જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. તેવા ઇરાદા સાથે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગેસ સિલિન્ડર 500 રૂપિયા, ઘર વપરાશની વિજળીમાં 300 યુનિટ ફ્રી, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના, દિકરીઓ માટે કે.જી.થી પી.જી.નું શિક્ષણ ફ્રી, 300 નવી સરકારી અંગ્રેજી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે અને આધુનિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે. તેવી ઘોષણા કરવામાં આવી હતી. આ ઉપરાંત યુવાનોને આકર્ષવા માટે પણ ચૂંટણી ઢંઢેરામાં કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. યુવાનો માટે 10 લાખ સરકારી નોકરી, કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણ નાબૂદ, રૂ.3000 બેરોજગારી ભથ્થુ ચૂકવાશે, કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે.
આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલનું નિર્માણ કરાશે. પ્રત્યેક ગુજરાતી માટે 10 લાખ સુધીની સારવાર મફ્ત, કિડની, લીવર અને હૃદ્યનું ટ્રાન્સપ્લાન્ટ મફ્ત, દર્દીઓને વિવિધ પ્રકારની બિમારીઓ માટે મફ્ત દવા આપવામાં આવશે. ખેડૂતો માટે પણ ચૂંટણી ઢંઢેરામાં કેટલીક મહત્વપૂર્ણ જાહેર કરવામાં આવી છે. જેમાં ખેડૂતોનું રૂ.3 લાખ સુધીનું દેવું સંપૂર્ણ માફ, વિજળીના બિલ માફ અને દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર પાંચ રૂપિયા સબસિડી આપવામાં આવશે. ડ્રગ્સ માફીયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. લઠ્ઠાકાંડમાંથી ગુજરાતને સંપૂર્ણપણે મુક્તિ અપાશે અને ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવશે. સામાજીક ન્યાય માટે પણ કેટલીક ઘોષણા ચૂંટણી ઢંઢેરામાં કરાઇ હતી.
જેમાં શહેરી વિસ્તારો શહેરી રોજગાર ગેરેન્ટી યોજના, ઇન્દિરા રસોઇ યોજના હેઠળ જરૂરીયામંત લોકોને માત્ર 8 રૂપિયા ભોજનની વ્યવસ્થા, પૈસા કાયદા હેઠળ સંપૂર્ણ અમલથી આદિવાસીઓને જંગલની જમીનમાં અધિકાર આપવામાં આવશે. આજે કોંગ્રેસ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની વિશેષ ઉપસ્થિતિમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. આ તકે ગુજરાત સંગઠનના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા, મેનીફેસ્ટો કમિટીના ચેરમેન દિપક બાબરીયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જૂન મોઢવાડીયા, સિદ્વાંત પટેલ, અમિત ચાવડા, વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ડો.અમિબેન યાજ્ઞિક, નારાયણભાઇ રાઠવા ઉપરાંત મધુસુધન મિસ્ત્રી, સોનલબેન પટેલ, પવન ખેરા અને આલોક શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.